ખંભાતના 12 વર્ષના બાળકના ફેફસાંની સફળતાપૂર્વક સર્જરી કરીને જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત અંતર્ગત 12 વર્ષના બાળકના ફેફસાંની વિનામુલ્યે સર્જરી કરીને જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરાઈ હતી.
ખંભાતના રહેવાસી 12 વર્ષના નક્ષ પટેલને પેટમાં દુઃખાવો તથા સતત કફ રહેતો હોવાથી તેઓ આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. હોસ્પિટલના રેડિયોલૉજી વિભાગ દ્વારા બાળકનો સોનોગ્રાફી અને સિટિ સ્કેન રિપોર્ટ કરવામાં આવતા, જમણા ફેફસાંમાં હાઈડેટીડ સિસ્ટ (જવલ્લે જ જોવા મળતી ગાંઠ) હોવાનું સામે આવ્યું હતું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ એક પૅરાસાઈટિક (પરોપકારી) પ્રાણીઓથી ફેલાતો રોગ છે. રસ્તા પરના ઘેટાં, કૂતરા વગેરે અથવા પાલતું પ્રાણીઓ સાથે વધુ સંપર્કમાં રહેવાથી આ પ્રકારની બીમારી થાય છે.
આ રોગની સારવાર માટે હોસ્પિટલની ડૉક્ટરની ટીમ દ્વારા અનેક સંદર્ભો ચકાસવામાં આવ્યા હતા. ત્યારબાદ ગાંઠને દૂર કરવા માટે ફેફસાંની સર્જરી કરવાની જરૂરિયાત હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ. વિશાલ ભિડેએ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. જીગ્નેશ રાઠોડની ઉપસ્થિતિમાં ફેફસાંની સર્જરી કરીને ગાંઠને દૂર કરી હતી.
ડૉ. વિશાલના જણાવ્યા પ્રમાણે, આ સર્જરીની ખાસિયત એ હતી કે ગાંઠ તૂટી ન જાય તે રીતે સારવાર કરવાની હોય છે. ગાંઠ તૂટી જવાથી તેનો દુષિત ભાગ ફેફસાંમાં ફેલાઈ જાય તો તેને દૂર કરવા માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ સર્જરીની પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. આ સર્જરી દરમિયાન પલ્મનોલૉજીસ્ટ ડૉ. ધવલ પ્રજાપતિએ ડાબા ફેફસાંના શ્વાસ જળવાઇ રહે તે માટે સતત કાળજી રાખી હતી.
બાળકના માતા-પિતાએ જણાવ્યું હતું કે, અમારા દીકરાની આટલી મોટી સર્જરી કરવી પડશે તેવી બીમારીની અમને જાણ નહોતી, પરંતુ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે ડૉક્ટરે કાઉન્સિલિંગ કરીને જણાવ્યું હતું કે, સર્જરી કરીને ગાંઠને દૂર કરવી પડશે. અમારા દિકરાની આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત વિનામુલ્યે સારવાર કરવામાં આવી તે માટે અમે સરકાર અને હોસ્પિટલનો આભાર માનીએ છીએ. આ ઉપરાંત હોસ્પિટલના ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફે ખુબ જ સહકાર આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.