કોરોના મહામારીના સંકટ સમયે પૃથ્વી પર વસવાટ કરતા વ્યક્તિઓ એક સમયે એક બીજાને સ્પર્શ કરવામાં ભય અનુભવતા હતા. કોરોનાની બિમારી પોતાને લાગી જશે તેવી ભીતિ હેઠળ દેશનો દરેક નાગરિક સાવચેત રહેતા, પરંતુ આવા સંકટ સમયે ડૉક્ટરો-નર્સોએ જ નાગરિકના જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી સારવાર આપી હતી. એટલે જ તો ડૉકટર-નર્સને ભગવાનનું રૂપ માનવામાં આવે છે.
ધરતી પર બાળક અવતરે તે ક્ષણેથી ડૉકટર-નર્સ એક ભગવાનના રૂપ કાર્યરત રહેતા હોય છે. પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓના જીવ માટે ખડેપગે રહેતા હોય છે. ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર એન.પી.એમ(નર્સ પ્રેક્ટિસ મિડવાઈફ) નર્સ કાશ્મીરા એસ.પઠાણે તબીબ દ્રષ્ટિબેનની ઉપસ્થિતમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના ગંભીર ચેપી રોગ ગણાતા HIVગ્રસ્ત મહિલાની ગંભીર પરિસ્થિતિમાં સફળ પ્રસુતિ કરાવી. HIVગ્રસ્ત મહિલા અને નવજાતને નવજીવન બક્ષ્યું હતું. જેને કારણે ડૉક્ટર સહિત સ્ટાફ પરિવારે એન.પી.એમ નર્સ કાશ્મીરા એસ.પઠાણને સરાહનીય કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવી તેમની સેવાને બિરદાવી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના હાંસલપૂર ખાતે નર્મદાબેન કિશનભાઈ ગોલવાડિયાના લગ્ન થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી સામાજિક કારણોસર તેઓ ખંભાત તાલુકાના સોખડા ખાતે ખેતર વિસ્તારમાં રહેતા હતા. નોંધનીય છે કે, નર્મદાબેન છેલ્લા 1 વર્ષથી HIV ગંભીર રોગથી પીડાતા હતા. ગત રોજ તેઓને પ્રસુતિની પીડા થતા રેખાબેન દ્વારા ખંભાતના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. HIV રોગ લોહી સ્પર્શ થવાના કારણે થતો હોવાથી વર્ગ-4ના કર્મીઓએ પણ HIV ગ્રસ્ત પ્રસુતિ મહિલાઓથી ભીતિ અનુભવી હતી,પરંતુ ફરજ પણ હાજર નર્સ પ્રેક્ટિસ મિડવાઈફ કાશ્મીરા એસ.પઠાણે પોતાના જીવની પરવાહ કર્યા વિના પોતાને ચેપ લાગશે તેવો ભય લાવ્યા વિના પીડિત મહિલાની પ્રસૂતિ કરાવી. મહિલા અને બાળકને નવજીવન બક્ષ્યું હતું. તેમજ તેની યોગ્ય સલામતીના ધારણે સારવાર, બાળકને રસીકરણ કરી ફરજ દરમિયાન પૂરતું ધ્યાન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.