ફરિયાદ:શકરપુર ગામે થયેલ ગેરરીતિ-ઉચાપત બાબતે  TDO દ્વારા પોલીસ ફરિયાદ

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાતના શકરપુર ગામે પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા 14માં નાણાં પંચમાં કરવામાં આવેલ ગેરરીતિ અને ઉચાપત બાબતે પોલીસ ફરિયાદ નોંધવા નાયબ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તારીખ 26/7/21 ના રોજ હુકમ નંબર 4980/21થી તાલુકા વિકાસ અધિકારી ને હુકમ કર્યો હતો પરંતુ અગાઉના ટીડીઓ દ્વારા રાજકારણને દબાણ વશ થઈ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ત્યારબાદ ખંભાત તાલુકા વિકાસ અધિકારીની પોસ્ટ રેગ્યુલર ટીડીઓ તરીકે એચ. પી. મોદીની નિમણૂક કરવામાં આવી હતી જે બાદ તેઓ દ્વારા રેકડ ચકાસણી કરી પૂર્વ સરપંચ તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટર સામે આજરોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખંભાત તાલુકાના શકરપુર ગ્રામ પંચાયતના નાણાપંચના ખાતામાંથી પૂર્વ સરપંચ દિનેશચંદ્ર પટેલ ઉર્ફે બલૂન, તલાટી કમ મંત્રી-નરેશભાઈ એમ.મકવાણા અને સ્થાનિક કોન્ટ્રાકટર ભૌમિક ગજ્જર આ ત્રણેયે મિલીભગત રચી આયોજન વિના એસ્ટીમેટ મંજુર થાય તે પૂર્વે જ કોઈ પણ જાતની કામગીરી કર્યા વગર બેરર ચેક બનાવી લાખો રૂપિયાની સીધે સીધી નાણાંકીય ઉચાપત કરી ગેરરીતી આચરી હતી. ઉપરાંત નાણાંપંચના ખાતામાંથી ગ્રામ્ય વિકાસના કામો પણ કર્યા ન હતા. લાખો રૂપિયાની ગેરરીતિ અને ઉચાપતનો મામલો વર્તમાન સરપંચ જીતુભાઈ વાઘેલાના ધ્યાને આવતા તેઓ દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરાઇ હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સરપંચ જીતુભાઇ વાઘેલા દ્વારા હાઇકોર્ટમાં ધા નખાઇ હતી. હાઇકોર્ટ દ્વારા સદર મામલે તાત્કાલિક કસુરવારો સામે પગલાં ભરવા હુકમ કરેલ ત્યારબાદ સદર મામલે જિલ્લા તપાસ ટીમ દ્વારા રેકર્ડ કબજે લઈ તપાસ આદરી હતી. પરિણામે તપાસમાં 10,93,418 રૂપિયાની ગેરરીતિ અને ઉચાપત થઈ હોવાનું સ્પષ્ટ સામે આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં હુકમ કરતા જણાવ્યુ હતુ કે, શકરપુર ગ્રામ પંચાયત ખંભાત ખાતે 14 માં નાણાંપંચ વર્ષ-2015-16, 2016-17 ના કામોમાં સરપંચ, તલાટી કમ મંત્રીએ સદર કામોની વહીવટી મંજૂરી, વર્ક ઓર્ડર તેમજ ખર્ચ કરવાની મંજૂરીના હુકમો મેળવ્યા સિવાય રૂા.10,93,418 (રૂ.દસ લાખ ત્રાણું હજાર ચાર સો અઢાર રૂપિયા ) નો વધુ ખર્ચ થયેલોનો જણાય છે.જે હંગામી ઉચાપત ગણી શકાય.તેમજ ગ્રામ પંચાયત શકરપુરએ પેટા કોન્ટ્રાક્ટના કોઈ કરારનામાં કર્યા વગર શ્રી ગજ્જર કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવામાં આવેલ છે.જેથી ઉક્ત કામોમાં નાણાંકીય ઉચાપત કર્યાનું ધ્યાને આવેલ છે.જેથી સદર નાણાંકીય ઉચાપત બાબતે જે તે સમયના તલાટી કમ મંત્રી, સરપંચ સીધા જવાબદાર બનતા હોઈ તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધી તેની એક એફ.આઈ.આરની નકલ સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત)ને જાણ કરવા જણાવવામાં આવે છે.તેમજ ગ્રામ પંચાયત ચકાસણી અન્વયે રેકર્ડ જપ્ત કરાવી તેમજ જે તે સમય સરપંચ - તલાટી કમ મંત્રીના ફરજનો સમયગાળો સહિતની વિગતો પુરી પાડવા જણાવાયુ છે.

સત્તત 4 વર્ષની મહેનત રંગ લાવી
જાન્યુઆરી 2017 થી મેં ગ્રામ પંચાયતનો ચાર્જ લીધેલ ત્યારબાદ ધ્યાને આવેલ કે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિવિધ કામોના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પૂર્વ સરપંચ મંડળી દ્વારા આચરવામાં આવ્યો હતો. આ અંગે અગાઉ પણ જિલ્લા કક્ષાઅે તથા રાજ્ય કક્ષાઅે રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવતુ નહતું. ગ્રામજનો દ્વારા આ બાબતે સતત લડત ચલાવવામાં આવી રહી હતી પરંતુ ભારે રાજકીય દબાણના કારણે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહતી. પરંતુ આખરે તાલુકા વિકાસ અધિકારી બદલાતા નવા આવેલા ટીડીઓ એ.પી મોદી દ્વારા પોલીસ ફરિયાદ આપતા અમને ન્યાય મળ્યો છે.> જીતુભાઇ વાઘેલા, સરપંચ, શકરપુર ગ્રામ્ય પંચાયત

અન્ય સમાચારો પણ છે...