ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક માસથી રાત્રિ સમય દરમિયાન ડ્રોન ઉડી રહ્યા હોવાની બુમો ઉઠવા પામી છે. જેને કારણે ગ્રામજનો રાત્રી જાગરણ કરી ગામના વિસ્તારોમાં આટાફેરા મારીને એકબીજાનો સંપર્ક સાધીને ડ્રોન ક્યાંથી ઓપરેટ થઈ રહ્યા છે? તે જાણવા મથામણ કરી રહ્યા છે.
પશુઓને ચોરી કતલખાને મોકલવામાં આવે છે
આ અંગે ગામના અગ્રણીઓ દ્વારા પ્રાપ્ય માહિતી મુજબ ડ્રોન ઉડ્યા બાદ રેકી કરી એ જ રાત્રે પશુ ચોરો દ્વારા ખંભાત પંથકના વાડોલા,સાયમા, કાણીસા, ટીંબા, બામણવા, જલુંધ જેવા ગામોમાં પશુ ઓની ચોરી થઈ હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પશુ ચોરો દ્વારા મોટો ટાર્ગેટ હાથ ધરી અનેક પશુઓ ચોરાતા હોવાનું જાણવા મળેલ છે. ત્યારબાદ રાત્રિના સમયે આ પશુઓને ટેમ્પા અથવા ટ્રક દ્વારા જંબુસર ભરૂચના કતલખાને મોકલી દેવામાં આવતા હોવાનું પણ જાણવા મળેલ છે. તાજેતરમાં ખંભાત પંથકમાંથી મોટું કતલખાનું ઝડપાયું છે પશુ ચોરીનું આ રેકેટ પોલીસ દ્વારા શા માટે પકડવામાં આવતું નથી? શા માટે પોલીસ આંખ આડા કાન કરી પશુ ચોરોને પ્રોત્સાહન આપે છે. આ બાબતે પશુપાલકોમાં પોલીસ પરત્વે ભારે રોષ વ્યાપ્યો છે, આ અંગે ગામના અગ્રણીઓ, સરપંચો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ છે. છતાં પણ ખંભાતના ગ્રામ્ય પંથકમાં ડ્રોન ઉડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે.
ડ્રોન ઉડાડ્યા બાદ હથિયારો લઈ ચોરી
આ અંગે ગામના અગ્રણીઓ દ્વારા પ્રાપ્ય માહિતી મુજબ ખંભાત પંથકમાં પશુ ચોરો રાત્રિના સમયે ડ્રોન ઉડાડે છે. ત્યારબાદ રેકી કરી તે જ વિસ્તારમાંથી પશુ ચોરો દ્વારા હાથમાં છરા રાખી પશુઓની ચોરી થાય છે. ત્યારબાદ આ પશુઓને ટ્રક દ્વારા ડાલી ચોકડી રાસ માર્ગે આ પશુઓને રાત્રિના સમયે જ વડોદરા જંબુસર ભરૂચ પંથકના મોટા કતલખાને લઈ જવામાં આવે છે જો પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરાય તો ખંભાત પંથકમાંથી પશુ ચોરીનું મોટું રેકેટ ઝડપાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.