ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપતા જ સરદાર ટાવર પાસે સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ નામાંકન પત્ર ભરવા જતા પહેલા પાણીયારી ખાતે રેલી અને સંકલ્પ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન
આ અંગે ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સર્વેના આર્શીવાદ અને શુભેચ્છા સાથે ખંભાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઇ રહ્યો છું. જે નિમિત્તે ખંભાત ખાતે રેલી અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન અંબાજી મંદિર પાણિયારી ખાતે આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં હાજર રહીને જન આર્શીવાદ આપવા ખંભાત મતવિસ્તારના સર્વ જાગૃત ભાઈઓ, બહેનો, યુવાનો, માતાઓ અને વડીલોને નમ્ર વિનંતી કરું છું. તેમજ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
ઠેર ઠેર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચિરાગ પટેલે 12:39 કલાકે નામાંકનપત્ર ભર્યું હતું. પાણીયારી ખાતેના અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી ચિરાગ પટેલે નામાંકન માટે આગેકૂચ કરી હતી. પરિવર્તન નેમ સાથે પાણીયારીથી શરૂ થયેલી રેલીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ટિકિટની જાહેરાત થયેના પ્રારંભમાં સરદાર ટાવર પાસે ભવ્ય આતશબાજી થઈ હતી. આજરોજ નામાંકનપત્ર ભરવા જતા સ્વયંભૂ લોકો જોડાયા હતા અને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ખંભાતમાં પરિવર્તનની લહેર પ્રસરાઈ જતા ચિરાગ પટેલને વિજયી બનાવવા ઠેર ઠેર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.