ખંભાત તાલુકાના શક્કરપુર ખાતે ગત રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારો અને ત્યારબાદ થયેલી કોમી હિંસા બાબતે બંને પક્ષ તરફથી પોલીસ ફરિયાદ ખંભાત શહેર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે લઘુમતી સમાજના 35થી વધુ આરોપીની ધરપકડ કરી હતી.
એકાએક સોમવારે વહેલી સવારે પોલીસ દ્વારા 27 જેટલાં લોકોને વહેલી સવારે જ ઇન્વેસ્ટિગેશન માટે પોલીસ સ્ટેશનમાં પકડી લાવતા દોડધામ મચી ગઈ હતી. જેને પગલે લઘુમતિ કોમની 200થી વધુ મહિલાઓ તુરંત જ પોલીસ સ્ટેશને દોડી આવી હોબાળો મચાવ્યો હતો. પોલીસ દ્વારા માત્ર એકતરફી જ કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ અંગે રોષપૂર્વક વાત કરતાં હમીદાબેને જણાવ્યું હતું કે, પહેલાં અમારા સમાજના 36 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. આજે વહેલી સવારે પણ પોલીસે ઘરના બારણાં ખખડાવી ખખડાવીને ઘરમાં ઊંઘી રહેલાલોકોને પકડીને લઈ ગઈ છે. કેમ અમારા લોકો પર અત્યાચાર - ત્રાસ આપવામાં આવે છે. કેમ ટાવર આગળ તોફાન કરનાર અન્ય સમાજના તોફાની તત્વોને પકડવામાં આવતા નથી. બેઉ ફરિયાદ એકજ દિવસે થઈ હતી તેમ છતાં પોલીસ દ્વારા રાજકીય ઈશારે કોઈ ધરપકડ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
બીજી તરફ રેહાનાબાનુ નામની મહિલાએ પણ એક તરફી કાર્યવાહી ન કરી તટસ્થ બની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.નોંધનીય છે કે, ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઈલ કરાઈ છે. જેમાં સમગ્ર બનાવની તપાસ તટસ્થ રીતે કરવા સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.