ભૂલોને સુધારવા કવાયત:ખંભાત નગરપાલિકા સીટી બસો માટે બહારની એજન્સી શોધે છે

ખંભાત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ પાલિકા સત્તાધીશોએ કરેલી ભૂલોને સુધારવા કવાયત

ખંભાત નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા સ્વ-ભંડોળમાંથી કોઈ પણ આયોજન વગર 40 લાખ ઉપરાંતની માતબર રકમથી બે સીટી બસોની ખરીદી કરી હતી. જે સીટી બસો માત્ર ૩ મહિનામાં જ મુસાફરો ના મળતા છેલ્લાં ત્રણ વર્ષથી ધૂણીયા ખૂણામાં ધકેલી દેવાઈ હતી.

નોંધનીય છે કે, શહેરના સિંગલ પટ્ટી અને સાંકડા માર્ગ પર બે સીટી બસો દોડી શકે તેમ ન હોવા છતાંય ભ્રષ્ટ નીતિ અપનાવી તેની ખરીદી કરી હતી. અને સરકારની કોઈ પણ મંજૂરી લીધા વિના, પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વિના બે ડ્રાઇવર અને ત્રણ કંડકટરની ભરતી કરાઈ હતી. આ સમગ્ર મામલો પૂર્વ કાઉન્સિલરે માંગેલી માહિતીમાંથી ઘટસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે. સમગ્ર શહેરમાં સીટી બસના ખાયકીના ખેલની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે.

જો કે સમગ્ર મામલો ઉજાગર થવાને કારણે વર્તમાન પાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધીએ સીટી બસની ખરીદી પૂર્વ પ્રમુખે કરી હતી તેવું સ્પષ્ટ જણાવ્યું છે.જો કે હાલ પૂર્વ પ્રમુખે ગળી ગયેલા ઉંદરને વર્તમાન પ્રમુખ દ્વારા કાઢવાની કવાયત હાથ ધરાઈ રહી છે. પાલિકાના વર્તમાન સત્તાધીશો બંને સીટી બસો કમાઈને ન આપતા હવે તેને ભાડે આપવા બહારની એજન્સી શોધી રહ્યા છે.

પાલિકાના ભ્રષ્ટાચારની તપાસ ન.પાને સોંપાતા કોઈ પરિણામ મળતું નથી
બસ કૌભાંડની રજૂઆત નગરપાલિકાના કમિશ્નરને કરી છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરાતી નથી. મારી વય 86ની હોવા છતાંય આર.ટી.આઈ કરનાર હનીફભાઈ સાથે રહી રજુઆત કરવા સ્વં ખર્ચે ઉચ્ચ કક્ષા સુધી દોડીએ છીએ. કમિશનર દ્વારા નગરપાલિકાના ભ્રષ્ટાચારની તપાસ નગરપાલિકાને જ સોંપવામાં આવે છે જેથી કોઈ નક્કર પરિણામ મળતું નથી. - કનુભાઈ શાહ, આરટીઆઈ એક્ટીવિસ્ટ, ખંભાત.

કોરોના મહામારી આવવાથી પેસેન્જર ન મળતાં બસો બંધ કરાઈ હતી
પ્રજાને સસ્તી અને સરળ સુવિધા મળી રહે તે અર્થે જ સીટી બસોની શરૂઆત કરાઈ હતી. કમનસીબે કોરોના મહામારી આવવાથી સીટી બસો બંધ કરાઈ હતી. વચ્ચે સીટી બસોને સરકારી કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવાઇ હતી. પછી બસ બંધ કરી દેવાઈ હતી. આવક, પગાર ધોરણ, ભરતી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પ્રમુખ સાથે ચર્ચા-વિચારણા કરી બસો ફરીવાર શરૂ કરાશે. -જીતેન્દ્રકુમાર ડાભી, ચીફ ઓફિસર, પાલિકા

લ્યો બોલો ! સીટી બસ દ્વારા ત્રણ વર્ષમાં 48 લાખના ખર્ચ સામે માત્ર 1.76 લાખની આવક
પૂર્વ સત્તાધીશોએ 40 લાખ ઉપરાંતની બે સીટી બસની ખીરીદી કરી હતી. પ્રારંભના ત્રણ મહિના જ સીટી બસ શહેરમાં દોડતી હતી. ત્યારબાદ સીટી બસો શહેરના માર્ગો પર પ્રજાના સુવિધા માટે દેખાઈ જ નથી. સીટી બસોના કામે ભરતી કરાયેલા કર્મચારીઓને 8 લાખથી વધુનું ચૂકવણું હાલ કરી દેવાયું છે. બસોની ખરીદી કિંમત અને પગાર ચુકવણી રકમ 48 લાખ ઉપરાંત થાય છે. જેની સામે સીટી બસો દ્વારા ત્રણ વર્ષ દરમિયાન 1.76 લાખ રૂપિયાની આવક થયું હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...