જ્ઞાનપાંચમે જ્ઞાનની સુંદર માંડણી:ખંભાત ખાતે જૈન ધર્મનો જ્ઞાનપંચમી ઉત્સવ મનાવવામાં આવ્યો; વિજય નેમિસુરી જ્ઞાનશાળાના ગ્રંથોનું પ્રદર્શન કરાયું

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત ખાતે જ્ઞાનપંચમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે શ્રી વિજય નેમિસુરી જ્ઞાનશાળાની પુરાતન ભવ્ય ઈમારતમાં જ્ઞાન ભંડાર છે, તેના ગ્રંથોનો જીર્ણોદ્ધાર કરવાનું મોટું શુભ કાર્ય હવે આરંભ થવાનું છે. તેના મંગલાચરણ રૂપે જ્ઞાનપાંચમે ત્યાં જ્ઞાનની સુંદર માંડણી કરવામાં આવી હતી. તેમાં તાડપત્ર પ્રતો, કાગળની પ્રતો, સચિત્ર પ્રતો, સુવર્ણ પ્રતો, તેમજ પોથીની ઉપર રખાતી સચિત્ર તથા કલાત્મક પાટલીઓ તથા પૂંઠા પ્રાચીન કલાત્મક મોટી ઠવણિયો, સિદ્ધચક્રજીના ગટ્ટા, પ્રાચીન વિવિધ વસ્ત્ર પટો વગેરે ખૂબ આકર્ષક રીતે ગોઠવવામાં આવ્યું છે. દરેક વસ્તુની સાથે તેનો પરિચય પણ આલેખવામાં આવ્યો હતો.

મધ્યવર્તી મેજ ઉપર શ્વેત આરસની નયનરમ્ય જિન પ્રતિમા તેની આસપાસ શ્રી ગૌતમસ્વામી તથા સરસ્વતીદેવીની પ્રતિમા, દાદા ગુરુએ કરાવેલા બે મોટા આરસના કલાત્મક સાપડા, તેના ઉપર તાડપત્ર પ્રતોનું દર્શન ખૂબ આકર્ષણરૂપ રહ્યું છે. આ માંડણીની જમણી તરફ જ્ઞાનના મુદ્રિત ગ્રંથો તથા પોથીઓ ગોઠવવામાં આવેલી છે. તો ડાબી બાજુએ શાસનસમ્રાટના ઇંગ્લિશ હસ્તાક્ષર, તેમના સ્ફટિકના ચશ્મા, આહારનું પાત્ર, ચાંદીના ચરણ પગલાં, ઉદયસુરી મહારાજ સાહેબના હસ્તાક્ષરો ઈત્યાદિ પ્રદર્શિત કરવામાં આવેલા છે.

અંદર પ્રવેશતા જ એક ભાગમાં જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય અને તેનો વિપાક કેવો હોય તેનો ખ્યાલ આપતી ઢીંગલીઓની રચના સાધ્વીજી ભગવંતોએ કરી છે. જ્ઞાનપાંચમે 1500 ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ જ્ઞાન પ્રદર્શન કારતક સુદ 11 ને આગામી શુક્રવાર સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...