ટેમ્પો મુકવા મુદ્દે બે પરિવાર બાખડ્યા:ખંભાતના શકરપુરમાં બંને પરિવાર એકબીજા પર લાકડી અને પાઇપ લઈને તૂટી પડ્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખંભાત20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના શકરપુરમાં ટેમ્પો મુકવા મુદ્દે બે પરિવાર બાખડ્યા. એકબીજા પર બંને પરિવારો લાકડી અને પાઇપ લઈને તૂટી પડ્યા હતા. આ અંગે ખંભાત શહેર પોલીસે બંને પરિવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાતના શકરપુર હડકાઈ માતાના મંદિર પાસે રહેતા બાબુભાઈની પારજિત જમીન પાદરીયા વિસ્તારમાં આવેલી છે. જેમાં તેમના ભાગની જગ્યા ખુલ્લી પડી છે, જ્યારે અડધો પ્લોટ તેમના દાદાના ભાણીયા રતિલાલને આપેલો હતો. હાલ આ પ્લોટમાં વિષ્ણુભાઈ રતિલાલ તેમના પરિવાર સાથે રહે છે. અગાઉ બાબુભાઈ સુરત હતા તે સમયે વિષ્ણુભાઈએ પ્લોટમાં પતરા મારી દીધા હતા. જોકે તે સમયે કઢાવી નાખ્યા હતા દરમિયાન રવિવારના રોજ બાબુભાઈએ ટેમ્પો બોલાવી ઘરમાં પડેલો જુનો સામાન ભરીને પોતાના ખુલ્લા પ્લોટમાં મુકવા માટે ગયા હતા. તે વખતે પતરાનો દરવાજો ખોલતા સમયે વિષ્ણુ રતિલાલ લોખંડની પાઇપ લઇ દોડી આવ્યા હતા અને ટેમ્પો જતા અટકાવી દીધો હતો અને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. જેમાં બાબુભાઈને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત વિષ્ણુભાઈના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને માથામાં લાકડાના ડંડા મારી વધુ ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવી બાબુભાઈને બચાવી લીધા હતા. આ અંગે બાબુભાઈની ફરિયાદના આધારે ખંભાત શહેર પોલીસે હુમલો કરનાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

સામા પક્ષે ભાવિકા નયનભાઈ ચુનારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કાકા સસરા વિષ્ણુ રતિલાલ ચુનારા, બાબુ હરિભાઈ ચુનારા, સિદ્ધાર્થ બાબુભાઈ ચુનારાને ઘર પાસે ખુલ્લી જગ્યા છે. તેમાં ટેમ્પો લઈ સામાન મૂકવા આવ્યા છે અને ઝઘડો થયો હતો. આથી પરિવારના સભ્યો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. તે સમયે ઝઘડો ચાલી રહ્યો હતો. જેમાં નરેશ ચુનારાના હાથમાં લોખંડની પાઇપ હતી. જે નયન ચુનારાને માથામાં મારી દીધી હતી. આ ધમાલમાં અન્ય લોકો ધસી આવતા મામલો ઢાળે પડ્યો હતો. આ અંગે પોલીસે બાબુ ચુનારા, સિદ્ધાર્થ બાબુભાઈ ચુનારા, જીતેશ જયંતી ચુનારા અને જયા જીતેશભાઈ ચુનારાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...