"અમને પાકો રસ્તો ક્યારે મળશે?":આઝાદીના 70 વર્ષ થયા તો પણ આનંદપુરાને હજુ રોડ નથી મળ્યો, દર્દીઓને ખાટલામાં લઈ જવાની ફરજ પડે છે, યુવતીઓની સગાઈ નથી થતી

ખંભાત14 દિવસ પહેલા
  • બાળકો-વૃદ્ધોને ચોમાસાની સીઝનમાં પારા વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
  • બીમારીના સમયે દર્દીને ફરજિયાત ખાટલામાં જ લઈ જવા પડે છે
  • રસ્તાના અભાવે યુવાન દીકરીઓની સગાઈ પણ થતી ન હોવાની વિગત સામે આવી

આઝાદીના સિત્તેર વર્ષો વીતી ગયા અને હાલ આઝાદીના અમૃત મહોત્સવની સરકાર ઉજવણી કરી રહી છે. એક તરફ બુલેટ ટ્રેન, સ્માર્ટ સીટી, એરપોર્ટ વગેરે બની રહ્યા ત્યારે અન્નદાતા ગણાતા ગામડાના લોકો રોડ રસ્તા જેવી સુવિધા વગર કેવી બદતર જિંદગી વિતાવી રહ્યા છે તેની વરવી હકિકત સામે આવી છે. ચરોતર ના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના બામણવા ગામના આનંદપુરા વિસ્તારમાં આઝાદીના 70 વર્ષો બાદ પણ રોડની સુવિધા નથી મળી. બાળકો, વૃદ્ધોને ચોમાસાની સીઝનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત બીમારીના સમયે દર્દીને ફરજિયાત ખાટલામાં જ લઈ જવા પડે છે. ચોંકાવનારી બાબત એ છે કે રસ્તાના અભાવે યુવાન દીકરીઓની સગાઈ પણ થતી ન હોવાની વિગત સામે આવી છે.

રોડ-રસ્તાને કારણે ભણવાનું છોડી દેવું પડ્યું - યુવતી
વિસ્તારની મુલાકાત દરમ્યાન એક યુવતીએ ખૂબ જ ચોંકાવનારી અને ગંભીર બાબત જણાવી હતી. યુવતીએ ભારે દર્દ સાથે જણાવ્યું હતું કે રોડ-રસ્તાને કારણે ભણવાનું છોડી દેવું પડ્યું હતું. એની સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે રોડ રસ્તાને કારણે દીકરીઓની સગાઈ નથી થતી અને સગાઈ થઈ ગઈ હોય અને સગાઓ જો જોવા આવે તો રસ્તાની પરિસ્થિતિ જોઈને સગાઈ પણ તોડી નાખે છે. જો કે આ વરવી વાસ્તવિકતા બહાર આવ્યા પછી હવે સરકાર આનંદપુરા વિસ્તારના લોકો માટે ક્યારે રોડ બનાવી આપે છે એ તો જોવું જ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...