માર્ગો ધોવાતા રાહદારીઓને હાલાકી:આણંદના ખંભાતમાં બે દિવસથી પડતા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા અનેક રસ્તા ધોવાયા

ખંભાત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​જિલ્લામાં અવિરત મેઘમહેરથી જળાશયોમાં નવા નીર આવ્યા

આણંદ જિલ્લામાં હવામાન ખાતાએ આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. જે મુજબ ખંભાત પંથકમાં દરિયાઈ સિસ્ટમ સક્રિય બનતા 24 કલાકમાં વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો બનવા પામ્યા છે. વ્યાપક વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા. ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસતા ડાંગરના પાક માટે આ વરસાદ સાનુકૂળ હોવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ ખંભાતના અનેક માર્ગો ધોવાતા રાહદારીઓમાં પાલિકા સત્તાધિશો પરત્વે ભારે રોષ જોવા મળ્યો હતો.

ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખંભાતમાં સમી સાંજે વરસેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો બનવા પામ્યા હતા. ખંભાતના આકૃતિ ટાઉનશીપ ગાયત્રી નગર રામવાડી સોસાયટી સાલવા, નગીનાવાડી, મોચીવાડ, જહાંગીરપુર,ટાવર જેવા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઇ જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. શહેરના છ માસ પૂર્વે બનાવેલા અનેક માર્ગો વધુ વરસાદને કારણે ધોવાતા શહેરીજનોમાં પાલિકા સામે ભારે રોષ પ્રગટ્યો હતો.

ચાલુ વર્ષે ડાંગરનો ભાલપંથકમાં મબલક પાક ઉતરશે
આ અંગે ભાલ પંથકના અગ્રણી ખેડૂત રાજેન્દ્રસિંહ પરમારના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ વરસાદ થવાથી આ વરસાદ ડાંગરની રોપણી માટે ઉત્તમ માનવામાં આવે છે. જો આ રીતે વરસાદ વરસતો રહેશે તો ચાલુ વર્ષે ડાંગરનો ભાલપંથકમાં મબલક પાક ઉતરશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જેને લઇ ખેડૂતોમાં આનંદો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...