પરિવાર સંકટના આભ તળે:ઈજાગ્રસ્તોને બચાવવા શ્રમજીવી પરિવાર માટે કફોડી સ્થિતિનું નિર્માણ

ખંભાત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત આદિવાસી પરિવાર માટે અકસ્માત આફતરૂપ બન્યો
  • ઈજાગ્રસ્ત કિશોરને સારૂં થઈ જતા હાલમાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે જ્યારે બાળકીના પેટમાં લોહી જામ થઈ જવાનો રિપોર્ટ

ધોળકાના વારણા પાસે ટેન્કર-કાર વચ્ચે થયેલા ગોજારા અકસ્માતમાં ખંભાતના મોચીવાડ ખાતે રહેતા 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મજૂરી કરીને ગુજરાન ચલાવતા આદિવાસી પરિવાર પર સંકટના આભ ફાટતા ગમગીની છવાઈ ગઈ છે. બીજી તરફ ઇજાગ્રસ્ત પ્રિયાંસી ઉર્ફે ધ્રુવીશા અને નીતિનભાઈ બંને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને બચાવવા ઓપરેશન માટે નાણાં ન હોઈ આદિવાસી પરિવારજનો હાલ કફોડી પરિસ્થિતિમાં સપડાયા છે. નોંધનીય એ છે કે, ઘટનાને બે દિવસનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ પણ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓએ સાંત્વના પાઠવવા પરીવારની મુલાકાત લીધી નથી. કે કોઈ પણ પ્રકારની સહાયની જાહેરાત કરી નથી.

સમગ્ર ઘટનામાં કુલ ત્રણ જણાંને ઈજા પહોંચી હતી. જે પૈકી 14 વર્ષીય પુત્ર સ્મિતને હાથે ફેક્ચર તેમજ શરીરે અન્ય ઈજાઓ પહોંચી છે. સારવાર બાદ હાલત સારી છે તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે 12 વર્ષીય પુત્રી પ્રિયાંસી ઉર્ફે ધ્રુવીશાને ગંભીર ઇજાઓ પહોંચતા પેટમાં વધુ પડતો દુઃખાવો થતા પેટમાં લોહી જામ થઈ જવાનો રિપોર્ટ આવ્યો છે. જેને કારણે ઓપરેશન કરવાની ફરજ પડી છે. બીજી તરફ નીતિનભાઈને પણ વધતા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચતા ૪ લાખ જેટલો ખર્ચ થવાના કારણે પરિવાર ભાંગી પડ્યો છે. જેઓને નાણાં ન હોઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવા માટે પરિવારજનોએ નિર્ણય કર્યો છે.

બાળકો માતા-પિતાને યાદ કરી રડી રહ્યા છે તો પરિવારના આંખના આંસુ સુકાતા નથી
અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. જય પ્રજાપતિ સીવણ કામ કરી પરિવાર માટે સહારો બન્યો હતો. તે હવે ન રહેતા નાના ભાઈ પાર્થ પર જવાબદારી આવી છે. બીજી તરફ નાની વયના બંને બાળકો પૈકી ઇજાગ્રસ્ત સ્મિતને સારવાર બાદ રજા આપી છે. પરંતુ ઘરે માતા-પિતાને યાદ કરી આક્રંદ કરી રહ્યો છે. બીજી તરફ ધ્રુવીશાને પેટમાં બ્લીડીંગને કારણે ઓપરેશન કરાવવાની ફરજ પડી છે. બીજી તરફ ભાઈ નીતિનને પેરાલિસિસની અસર થઈ હોય બચાવવા પણ પરિવાર નાણાંકીય અછતને કારણે સંઘર્ષ કરી રહ્યો છે. તમામ મૃતકોના પરિવારજનોના આંખોમાંથી આંસુ સુકાતા નથી. એક તરફ મોતનો માતમ છે બીજી તરફ આર્થિક પરિસ્થિતિ નબળી હોય હોસ્પિટલમાં સારવાર કેમની કરાવી એ પણ મૂંઝવણ છે.

માતા-પિતાનું સ્વપ્ન હતું બાળકો શિક્ષણ મેળવી ડોકટર બને
પિતા પ્રશાંતભાઈ કલર કામની મજૂરી કરી પોતાના બાળક સ્મિત અને ધ્રૂવિશા સારું શિક્ષણ મળી રહે અને ડૉકટર બને એ માટે દિવસ રાત મજૂરી કરતા હતા. માતા-પિતાનું સ્વપ્ન સાકાર કરવા પુત્ર-સ્મિત ધોરણ-8 અને પુત્રી-પ્રિયાંસી ઉર્ફે ધ્રૂવિશા ધોરણ-6માં ખંભાત ખાતે કોલેજ રોડ પર આવેલી એસ.બી.વકીલ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરાવતા હતા.> જીતુભાઈ ભીલ, મૃતક પ્રશાંતનો ભાઈ, મોચીવાડ.

હાલ અમારો પરિવાર સંકટના આભ તળે ઘેરાયો છે
અમારો પરિવાર છૂટક મજૂરી કરીને રોજનું પેટિયું રડતા હતા. અકસ્માતમાં કુટુંબીજનો માટે ભરણપોષણ કરનાર જ નથી રહ્યા. બીજી તરફ ઇજાગ્રસ્તોની ગંભીર રીતે ઘવાયેલા હોઈ ઓપરેશન માટે જણાવ્યું છે.અમારી પાસે લાખો રુપિયાની રકમ નથી. અને ઓપરેશન વગર અમો ઇજાગ્રસ્તોજનોને બચાવી શકતા નથી. હજી સુધી અમને સાંત્વના પાઠવવા કે અમારી ખબર કાઢવા કોઈ પણ અધિકારી કે રાજનેતાઓ આવ્યા નથી. સરકારને બે હાથ જોડી વિનંતી છે અમારો પરિવાર સંકટના આભ વચ્ચે ઘેરાયું છે. અમને સહાયની તાતી જરૂરિયાત છે. > મહેશભાઈ વસાવા, મામા, મોચીવાડ.

અન્ય સમાચારો પણ છે...