ખંભાત નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાતા કૉંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પાલિકા કચેરી ખાતે ચીફ ઑફિસરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ખંભાત જ્યારે અંધારપટમાં હોય ત્યારે પાલિકા પ્રમુખના ઘર પાસે સીધું જોડાણ કરી સ્ટ્રીટ લાઈટ ચલાવાય છે. કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા નીતિન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પ્રજા પાસે ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં પાયાની સુવિધા આપવામાં નગરપાલિકાના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે.
કોન્ટ્રાક્ટર દ્વારા AC લગાવવાનો આરોપ
MGVCLના અધિકારીઓ પાલિકાની ઑફિસેનું તેમજ પાણીના સ્ટેશનનું પણ વીજ કનેક્શન કાપવાના હતા. પરંતુ ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા વીજ કંપની અને પાલિકા વચ્ચે મધ્યસ્થી કરી વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો હતો. કાઉન્સિલર ચંદુ કડિયાએ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના પમ્પિંગ સ્ટશનની ઓરડીમાં AC લગાવવામાં આવ્યું છે જેનું લાઈટ બિલ પાલિકા દ્વારા ભરવામાં આવી રહ્યું છે. ચીફ ઑફિસર કિરણ શુક્લાએ જણાવ્યું હતું કે, AC મૂકવા બાબતે તપાસ કરી એન્જિનિયર વિરુદ્ધમાં કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પાલિકાએ 10 લાખ ભરતા વીજ કનેક્શન ચાલુ કરાયું
ખંભાત નગરપાલિકાનું 4 કરોડનું બાકી વીજબીલ હતું તેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ખંભાતના 70 હજારથી વધુ નગરજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. જો કે બુધવારે રૂપિયા 10 લાખ રકમ ભરપાઈ કરી દેવામાં આવી છે. બાકી રકમ ત્રણ હપતામાં ભરપાઈ કરી દેવાની બાહેંધરી અપાતા MGVCL દ્વારા ફરી વીજ કનેક્શન જોડવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.