કોંગ્રેસના ભાજપ પર વળતા પ્રહાર:ખંભાતમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજી; કહ્યું- 32 વર્ષથી અહીંની પ્રજાને ભાજપે ઠાલા વચનો આપી છેતર્યા

ખંભાત16 દિવસ પહેલા

ગતરોજ મંગલવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલનું નામ લઈ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેના પ્રત્યુત્તરમાં ખંભાત કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજી ભાજપા પર વળતા પ્રહાર કર્યા હતા. ભાજપાના નેતાઓએ બધુ બરબાદ કરી અમીરોને વહેંચી દઈ પોતાના ખિસ્સા ભર્યાંનો આરોપ કર્યો હતો. આ સાથે જનતા કોંગ્રેસને ઠેર ઠેર અભૂતપૂર્વ પ્રતિસાદ આપી રહી છે તેવું કહ્યું હતું.
વિકાસના કામોના નામે પોતાના ખિસ્સા ભર્યા
​​​​​​​
કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, 32 વર્ષથી ખંભાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીએ ઠાલા વચનો આપી માત્ર છેતર્યા છે. ખંભાત બંદરના નામે બંદર બનાવ્યા છે. વર્ષોથી ખંભાતની પ્રજાને મીઠું પાણી મળતું નથી. પ્રજાના પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. નગરપાલિકાના ભાજપાના સત્તાધીશો દ્વારા વિવિધ પ્રકારના કૌભાંડો કરવામાં આવ્યા છે. ભરતી કૌભાંડ, બસ કૌભાંડ, રોક ટોક મ્યુઝિયમ, પોર્ટ રોડ, CCTV કેમેરા કૌભાંડ, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ સહિતના અનેક કૌભાંડો આચરીને વર્ષોથી શાસન કરતા ભાજપાના નેતાઓએ ખંભાતની પ્રજાનો વિકાસ કર્યો નથી પરંતુ વિકાસના કામોના નામે પોતાના ખિસ્સા ભર્યા છે.
કોંગ્રેસનો જંગી બહુમતીથી વિજય થવાનો
આ ઉપરાંત ચિરાગ પટેલે કહ્યું હતું કે, ખંભાતમાં કોંગ્રેસ પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થવાનો છે. હું જીતીશ એટલે પ્રજાની વચ્ચે રહી સૌ પ્રથમ વહેલામાં વહેલી તકે મીઠા પાણીનો પ્રશ્ન હલ કરીશ. બેરોજગાર યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરીશ. પ્રજાના પાયાના પ્રશ્નો અને સુવિધાઓ માટે ખડેપગે રહી કાર્યરત રહીશ. દીકરા-દીકરીઓના શિક્ષણ માટે સતત પ્રવૃતિશીલ રહીશ. ખેડૂતોના સિંચાઇના પ્રશ્નોને હલ કરીશ. કોંગ્રેસે ગુજરાતની પ્રજાને અમૂલ ડેરી, સિંચાઈ યોજના સહિત અનેક યોજનાઓ પ્રજાને ભેટ આપી છે. આજે પણ કોંગ્રેસનું કામ બોલે છે પરંતુ આ ભાજપાના નેતાઓએ બધુ બરબાદ કરી અમીરોને વહેંચી દઈ પોતાના ખિસ્સા ભરી લીધા છે.
ખંભાતની પ્રજા પરિવર્તન લાવવા તૈયાર
વધુમાં ચિરાગ પટેલે ઉમેર્યું હતું કે, ખંભાતની પ્રજા પરિવર્તન લાવશે. આ વખતે ખંભાતમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે એટલે કેન્દ્રીય મંત્રીને નામજોગ મને યાદ કરવુ પડે છે. આજે ખંભાતની ગામે ગામની પ્રજા ભાજપાના ઉમેદવારે 1 હજાર કરોડ ખર્ચવા છતાંય વિરોધ કરી રહી છે. ખંભાતની પ્રજા પરિવર્તન લાવવા માટે તૈયાર છે માટે કોંગ્રેસને ઠેર ઠેર અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...