ખંભાતના કલમસર ગામ ખાતે આવેલ ચોરખાડી ચેક ડેમ થયો જેરી કેમિકલના પાણીથી દૂષિત, કલમસરની રોહન ડાઈઝ નામની કેમિકલ કંપની દ્વારા ચોમાસુ પાણીની આડમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા કલમસર સહિત ચાર ગામના ખેડૂતો અને ગ્રામજનોના આરોગ્યને ગંભીર ખતરો, રોહન ડાઈઝ નામની કેમિકલ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી.
ડેમના દ્રશ્યોમાં આપ જોઈ રહ્યાં છો તે છે કલમસર નજીક આવેલ પાંચ ગામ વચ્ચેનો ચોરખાડી ચેક ડેમ છે. વર્ષ 2002માં સરકાર દ્વારા વરસાદી પાણી દરિયામાં ન વહી જાય અને આ પાણીનો સદુપયોગ થાય. તેવા શુભ આશય સાથે આ ચેક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચ ગામના ખેડૂતો આ ચેકડેમ થકી સિંચાઈનું પાણી ઉપયોગમાં લઇ રહ્યાં છે. હાલ ચોમાસાની સીઝન છે અને જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે. ત્યારે આ ચેકડેમ ઓવરફ્લો થયો છે. એવામાં ચોમાસુ પાણીના વહેણ સાથે કલમસર ખાતે આવેલ રોહન ડાઈઝ નામની કેમિકલ કંપની દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી વરસાદી પાણી સાથે છોડી દેવામાં આવતા આખરે કેમિકલ કંપનીના પાપે અહીંના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ચોરખડી ચેક ડેમના પાણી કેમિકલયુક્ત થતા દૂષિત થયા છે. જેને લઈ પર્યાવરણ અને જળચર પ્રાણી તેમજ લોકોના આરોગ્ય ઉપર ગંભીર પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે. મહત્વની વાત એ છે કે આજ ચેકડેમના સરોવરમાંથી સિંચાઈ સહિત પશુધન માટે સિંચાઈ વિભાગની યોજના થકી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કલમસર સ્થિત રોહન ડાઈઝ કેમિકલ કંપનીની જો વાત કરીએ તો આ કંપની વર્ષોથી અહીં કાર્યરત છે. અગાઉ કંપની દ્વારા આ જ રીતે દૂષિત પાણી અવારનવાર છોડવામાં આવતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હતી. જોકે જે-તે સમયે કંપનીને ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો હતો. જોકે કંપની દ્વારા રિવર્ષ બોર બનાવી કેમિકલ યુક્ત પાણીને ફિલ્ટર કર્યા સિવાય ભૂગર્ભમાં ઉતારતા કલમસર ગામના ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે. હાલ ચોમાસાની આડમાં કેમિકલ કંપની દ્વારા જેરી કેમિકલ યુક્ત પાણી છોડી દેવતા ચોરખાડી ચેકડેમ કેમિકલયુક્ત પાણીથી દૂષિત થતા લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થવા પામ્યો છે. જેને લઈ કલમસર ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવા છતાં હજુ સુધી રોહન ડાઈઝ કંપની વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરતા આગામી દિવસોમાં આ વિસ્તારની પ્રજા દ્વારા મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.