છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકાના અનગઢ વહીવટને કારણે પ્રજાજનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ અને ઉભરાતી ગટરોને કારણે શહેરમાં નરકાગારની સ્થિતિનું સર્જન થયું છે. શહેરમાં ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોય માખી-મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. આ ઉપરાંત શાક માર્કેટમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો અને કાદવ કિચડથી શાક વેચવા બેસનારને પણ ભારે તકલીફો વેઠવી પડે છે. તેમજ શાક ખરીદવા આવતા નાગરિકોને પણ નરકાગારમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા આ અંગે તકેદારીના કોઈ પગલા ન લેવાતા શહેરમાં રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. જેને જેને લઇ સહેરી જનોમાં પાલિકા સામે ભાર રોષ વ્યાપ્યો છે.
ગંદકીના ઢગ વચ્ચે નરકાગારની સ્થિતિનું નિર્માણ થયું
પ્રાપ્ય માહિતી મુજબ શહેરના મોચીવાડ લાલ દરવાજા, શાકમાર્કેટ, ત્રણ દરવાજા, પાનપોળ નાકા પીરજપુર જેવા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં દૈનિક હજારો લોકો અવર જવર કરી રહ્યા છે. છતાં પણ ઉભરાતી ગટરો અને ગંદકીના ઢગ વચ્ચે નરકાગારની સ્થિતિનું નિર્માણ થયું છે. માખી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેને લઇ અનેક વિસ્તારોના લોકોમાં બીમારી જોવા મળી રહી છે
વારંવાર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક જાણ કરી
આ અંગે જાગૃત નગરજનો દ્વારા આક્રોશ પૂર્વક જણાવવામાં આવ્યું છે કે, અમે ગંદકી બાબતે તેમજ ઉભરાતી ગટરોને લઈ વારંવાર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક જાણ કરી છે. ઉચ્ચકક્ષાએ પણ ફોટા પાડીને મોકલ્યા છે, સોશિયલ મીડિયા ઉપર પણ ફોટા વાયરલ કર્યા છે. છતાં પણ ખંભાત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પગલા લેવાયા નથી. નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન માત્ર ચોપડે જ દેખાઈ રહ્યું છે! વાસ્તવિક સ્થિતિ ખંભાતની કાંઈક અલગ જ છે. જો નગરપાલિકા સત્તાધીશો દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ખંભાત શહેરમાં આવનાર દિવસોમાં રોગચાળો ફાટી નીકળશે તેમાં કોઈ શંકા નથી.
આ અંગે ખંભાત ચીફ ઓફિસર કે જે શુક્લના જણાવ્યા મુજબ ખંભાતમાં નિયમિત સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ થાય છે. શાક માર્કેટમાં ઉભરાતી ગટરોનું અમે નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવી દઈશું. જ્યાં ગંદકી હશે ત્યાં તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં સ્વચ્છતા છે અને એટલે જ તો ખંભાતને સ્વચ્છતા માટે એવોર્ડ પણ મળેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.