બેદરકાર તંત્ર:ખંભાત નગરપાલિકાએ શહેરીજનોની સુવિધા માટે રૂ. 40 લાખના ખર્ચે ખરીદેલી સીટી બસ ધુળ ખાય છે

ખંભાત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2019માં ઠરાવ વિના સીટી બસ ખરીદી, ત્રણ માસ સેવા ચાલુ રહ્યા બાદ સદંતર ઠપ્પ થઈ ગઈ

ખંભાતમાં વર્ષ-2019માં નગર પાલિકા દ્વારા આયોજન વગર ઠરાવ કરી રૂપિયા 40 લાખના ખર્ચે ખરીદાયેલી બે સીટી બસોની સેવા શરૂ કરાઈ હતી. જોકે, માત્ર ત્રણ મહિનાઓ સુધી સેવાઓ ચાલુ રહ્યા બાદ સંદતર સેવા બંધ થઈ ગઈ હતી. હાલ બંને સીટી બસ પણ ધૂળ ખાઈ રહી છે. હાલ પૂર્વ સત્તાધીશોની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટ નીતિના પરિણામે બંધ સીટી બસોના ઓઠા હેઠળ રૂપિયા 40 લાખ ઉપરાંત પ્રજાના ટેક્ષના નાણાંનો આંધણ થઈ ચૂક્યું હોવાની માહિતી આરટીઆઈ એક્ટ અંતર્ગત પ્રકાશમાં આવી છે.

ખંભાત નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર હનીફ શેખ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં ખંભાત નગર પાલિકા દ્વારા બે સીટી બસો રૂપિયા 40.06 લાખના સ્વ-ભંડોળમાંથી છઠ્ઠી ફેબ્રુઆરી, 2019 રોજ ખરીદી કરી હતી. બાદમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર બે ડ્રાઈવર રૂપિયા 300ના રોજથી ભરતી કર્યા હતા. જ્યારે ત્રણ કંડકટરોની રૂપિયા 250 ના રોજ પગારે ભરતી કર્યા હતા.

શરૂમાં બંને સીટી બસ દ્વારા 10 રાઉન્ડ ફરજીયાત મારવાની શરત અમલમાં મુકાઈ હતી. ત્રણ મહિના સુધી સીટી બસો ખંભાતમાં દોડતી હતી. એ પછી બે વર્ષ ઉપરાંતનો સમય પૂર્ણ થવા છતાંય આજદિન સુધી બસ માર્ગો પર દોડી રહી નથી. આ મામલે વર્તમાન પાલિકા સત્તાધીશો દ્વારા પણ તેને પુન: શરૂ કરવા બાબતને લઈ કોઈ પણ પ્રકારનો રસ જોવા મળી રહ્યો નથી.

સીટી બસના પૈડા થંભી ગયા પણ પગાર નિયમિત ચૂકવાય છે !
ત્રણ વર્ષ થયે સીટી બસ બંધ થઈ જવા છતાંય સરકારની મંજુરી લીધા વિના ભરતી કરાયેલા ત્રણ કંડકટર પૈકી જય પરીખ સ્ટોર વિભાગમાં, ધર્મીન મહેતા સેનિટેશન વિભાગમાં વોર્ડ ઇનસ્પકેટરના પદે કાર્યરત છે. જ્યારે રાકેશભાઈ બારૈયા ફાયરમેન તરીકે ફરજ બજાવે છે.અને તેઓને ડ્રાઈવર-કન્ડક્ટર તરીકેનો દૈનિક રૂપિયા 250 લેખે અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 8 લાખનો પગાર ચૂકવાયો છે.

ડોર ટુ ડોર કચરા કલકેશન માટે માત્ર ચાર વાન કાર્યરત ! 10 ધૂળ ખાય છે
ડોર ટુ ડોર વેસ્ટ કચરાના કલકેશન માટે સરકારમાંથી 4 ટેમ્પા તેમજ ઓ.એન.જી.સી તરફથી 10 ટેમ્પા મળ્યાં હતાં. જોકે, ખંભાત શહેરની એક લાખ જેટલી વસ્તીની સામે હાલ ખંભાતમાં માત્ર ચાર જ વાન ડોર ટુ ડોર વેસ્ટ કચરા કલેક્શન માટે કાર્યરત છે. બીજી અન્ય 10 વાન ધૂળ ખાય છે.

સમગ્ર મામલે વડોદરા નગરપાલિકા કમિશનરને રજૂઆત કરી છે
ખંભાત નગરપાલિકામાં સીટી બસ સહિતના મુદાઓની માહિતી માંગી હતી. પાલિકા દ્વારા આપેલા જવાબમાં ઘટસ્ફોટ થયો હતો કે, પાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા 40 લાખ ઉપરાંતના ખર્ચે સ્વ-ભંડોળના નાણાંમાંથી એટલે કે પ્રજાના ટેક્ષના નાણાંમાંથી બે સિટી બસની ખરીદી કરી હતી. જે હાલ સંદતર બંધ થઈ પડી રહી છે.વિશેષમાં સીટી બસોને દોડાવા માટે બે દ્રાઇવર અને ત્રણ કંડકટરોની કોઈ પણ પ્રકારની જાહેરાત, પરીક્ષા કે ઇન્ટરવ્યુ વગર સીધી જ ભરતી કરાઈ હતી. જેની પણ કોઈ મંજૂરી લેવામાં નથી આવી. અને સીટી બસો બંધ હોવા છતાંય ત્રણ કંડકટરોને લાખો રૂપિયામાં પગાર ચૂકવી પ્રજાનાં ટેક્ષના નાણાંનો આંધણ કર્યું છે. આ સમગ્ર મામલે વડોદરા નગર પાલિકા કમિશનરને રજુઆત કરી છે. - હનીફભાઈ શેખ, પૂર્વ કાઉન્સિલર, ખંભાત

અન્ય સમાચારો પણ છે...