ખંભાત કોલેજ ખાતે આવેલી શ્રી શરદ કુમાર હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાનીજય અનુસ્નાતક વિભાગના વડા ડૉ.હસન રાણાના માર્ગદર્શન હેઠળ વિધાર્થી સોનલ મકવાણા, હીરલ ધુમડ, કરન બેલદર, નિરંજન રાઠોડ, મહેરા સેત્તા અને તેમની ટીમ દ્વારા ભાલ બારા પ્રદેશના જુદા જુદા ગામડાઓના ખેડૂતોને પ્રત્યક્ષ મળી અને ગૂગલ પ્રશ્નોત્તરી દ્વારા સજીવ ખેતી બાબતે ખેડૂતનો અભિપ્રાય અને અભિગમ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
વિદ્યાર્થિની સોનલ મકવાણા એ જણાવ્યું હતું કે, ટૂંકાગાળામાં સજીવ ખેતી કરતાં રાસાયણિક ખેતી ખેડૂતને ઉત્પાદન વધારે આપે છે. માટે ખેડૂતો રાસાયણિક ખેતીને વધારે મહત્ત્વ આપે છે. તેમણે જણાવ્યું કે, 54.20% ખેડૂતો જમીનની ફળદૃપ્તા વધારવા માટે રાસાયણિક ખાતરના ઉપયોગની તરફેણ કરે છે. જ્યારે 18.10% ખેડૂત પાક ફેરબદલી પદ્ધતિ, 9.60% ખેડૂત નીંદણ, 7.30%ખેડૂત આંતરપાક પદ્ધતિ તથા 10.80% ખેડૂત અન્ય પદ્ધતિથી જમીનની ફળદૃપ્તા વધારવાની વાત કરે છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, સજીવ ખેતીમાં મજૂરી ખર્ચ વધારે આવે છે. સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત કરાયેલા પાકોના વેચાણ દ્વારા વ્યાજબી વળતર મેળવવું મુશ્કેલ છે. સજીવ ખેતી દ્વારા જમીનને હકારાત્મક અસર આપી શકાય છે. જ્યારે મોટાભાગના ખેડૂતો એ સ્વીકાર્યું કે રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પાદિત થયેલા પાકોની માનવ શરીર અને પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસરોની શક્યતા વધુ હોય છે. ખેડૂતોના મોટા વર્ગે એવું પણ સ્વીકાર્યું કે સજીવ ખેત પદ્ધતિ એ ભૂતકાળની જૂની પદ્ધતિ છે. ઘણા ખેડૂતોનો એવો અભિપ્રાય પણ છે કે રાસાયણિક ખાતરના વપરાશથી જમીનમાં રહેલા જીવોને નુકશાન થાય છે. જે ક્રમશઃ વાતાવરણને નુકશાન કરે છે.
આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ડૉ. બંકિમ ચંદ્ર વ્યાસ અને કોલેજના આચાર્ય ડૉ. વસિસ્થધર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો આ એક માત્ર સર્વે છે. જેના દ્વારા ભાલ બારા વિસ્તારના ખેડૂતોના અભિપ્રાયનો અભિગમ જાણી શક્યા છીએ. જો આમાં વિશેષ સંશોધન કાર્ય કરવામાં આવે તો ખેડૂત ઉપયોગી ઘણું બધું નવું જાણી શકાય અને નવું કરી પણ શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.