ગરીબ કલ્યાણ મેળો:આણંદના બોચાસણ ખાતે 39 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 490.59 કરોડથી વધુ રકમની સહાય, જન-જનની ચિંતા અને કાળજી રાખતી સરકાર: રાજેન્‍દ્ર ત્રિવેદી

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના કાયદા અને ન્યાયતંત્રના મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લોક કલ્યાણ અને ગરીબોના ઉત્થાન માટે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી વચેટિયાઓ વગર સીધેસીધા લાભો પહોંચાડવાનું કામ આ સરકાર કર્યું છે. જે ગરીબ કલ્યાણ મેળા આજે વટવૃક્ષ બની ગયાં છે. પહેલાંના સમયમાં લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચતા નહોતા. પરંતુ ગરીબ કલ્‍યાણ મેળાના માધ્‍યમથી સાચા લાભાર્થીઓ એવા ગરીબો-દરિદ્રનારાયણો સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રાજ્ય સરકાર સાચા અર્થમાં જન-જનની ચિંતા-દરકાર અને કાળજી રાખી રહી છે.

આણંદ જિલ્‍લાના બોચાસણ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાના કાર્યક્રમમાં મેળા પહેલા અને મેળા દરમિયાન મળી જિલ્‍લાના 39 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓની રૂ. 490.59 કરોડથી વધારેની સાધન-સહાયના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. જેના પ્રતિકાત્મક રૂપે સ્ટેજ ઉપરથી ૩૩ લાભાર્થીઓને મંત્રી તથા મહાનુભાવના હસ્તે સાધન-સહાય, સહાયના હુકમો, સહાયની કીટો વિતરણ કરવામાં આવી હતી.

ગરીબ કલ્‍યાણ મેળાના માધ્‍યમથી નાનાં-મોટાની ભેદભાવની રેખા ભૂંસી નાંખી લોકકલ્‍યાણના કામો માટે રાજ્ય સરકાર તત્‍પર હોવાનું જણાવી મંત્રીએ છેલ્લા બે દાયકાથી ડબલ એન્જિનની સરકાર નાગરિકોએ તેમના ઉપર મૂકેલ વિશ્વાસનું વિકાસના રૂપમાં વળતર આપી રહી હોવાથી સરકારને જનતા જનાર્દનનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું હોવાનું ઉમેર્યું હતું. ત્રિવેદીએ ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં અનેક જનહિતલક્ષી કાર્યો દ્વારા અપાર ઉપલબ્ધિઓ મેળવી હોવાનું જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતનાં બે દાયકાઓ પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોમન્સનાં રહ્યાં છે. આ ઉપરાંત એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટને વરેલાં રહ્યાં હોવાનું કહ્યું હતું. મંત્રીએ ડબલ એન્જિનની સરકારના કારણે આજે ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન રૂ.1.27 કરોડથી વધીને રૂા. 16.19 લાખ કરોડ પર પહોંચ્યું છે.

ત્રિવેદીએ સરકારની આ સ્પષ્ટ નીતિ અને નેક નિયતના કારણે આણંદ જિલ્લામાં આ અગાઉ યોજાઇ ગયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં 4,08,352 લાભાર્થીઓને રૂ. 85,351,44 લાખની વિવિધ સાધન-સહાય સામગ્રી પૂરી પાડીને આ લાભાર્થીઓના જીવનમાં ઉજાસ પાથરવાનું અને તેઓનું જીવનધોરણ ઊંચુ લાવવાનું કામ કામ જો કોઇએ કર્યું હોય તો ડબલ એન્જિનની સરકારે કર્યું હોવાનું જણાવી આજના ગરીબ કલ્યાણ મેળામાં લાભ મેળવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદમિતેષ પટેલે જણાવ્‍યું હતું કે, ગરીબ કલ્‍યાણ મેળાનો ઉદ્દેશ માત્ર સરકારી સહાય આપવાનો નથી, પરંતુ ગરીબોનું ઉત્‍થાન કરવાનો છે. તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના સમયમાં ગરીબો, વંચિતો અને દરિદ્રનારાયણ સેવાનો યજ્ઞ આરંભાયો છે. જેને રાજ્યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વધુ વેગ આપીને ગરીબોને આત્‍મનિર્ભર બનાવી આત્‍મનિર્ભર ભારત અભિયાનને વધુ ગતિ આપવાનું કાર્ય થઇ રહ્યું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, ત્વરિત અમલ અને કોઇની દખલ વગર જન-જનને યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ત્રિવેદી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પંચાયતીરાજ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઇએ સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકારી ગરીબ કલ્‍યાણ મેળાની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે ખંભાતના ધારાસભ્‍ય મયુરભાઇ રાવલ, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્‍લા વિકાસ અધિકારી મિલિન્‍દ બાપના, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પૂર્વ મંત્રી સી.ડી.પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રદિપ પટેલ, અગ્રણી સર્વ રમણ સોલંકી, મયુર સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્‍લા–તાલુકા પંચાયતના સભ્‍યો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્‍લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, જિલ્‍લાના તમામ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...