વન્યજીવ સપ્તાહની ઉજવણી:આનંદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 43 જેટલા વિવિધ કાર્યક્રમ યોજાયા; વન્યજીવોને લઈને લોક જાગૃતિના કાર્યક્રમનું આયોજન

ખંભાત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વન વિભાગ દ્વારા દર વર્ષે 2થી 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા. 2થી 8 ઓક્ટોબર દરમિયાન આણંદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 43 જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આણંદ સામાજિક વનીકરણ વિભાગ હેઠળની તમામ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વન્યજીવોના અસ્તિત્વ, વન્યજીવોના મહત્વ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાનો વન્યજીવ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ ઉમરેઠ તાલુકાના ખાનાકુવા ગામની શ્રી મહાત્મા ગાંધી માધ્યમિક વિદ્યાલયમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક નમ્રતાબેન ઇટાલીયન દ્વારા શાળાના બાળકો અને વિદ્યાર્થીઓને વન્યજીવનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સ્થાનિક કક્ષાએ નજીકના વિસ્તારોમાં વન્યજીવની હયાતી, તેમના અસ્તિત્વ, તેમની સામાન્ય આદતો વિશે જયારે નજીક્ના વિસ્તારોમાં સાપ અંગે લોકોમાં પ્રવર્તી રહેલા ગેરમાન્યતાઓ વિશે સ્પષ્ટ વિગતવાર સમજ આપી આવી માન્યતાઓમાં બહાર આવવા જણાવાયું હતું.

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં મગરની હાજરી વધુ છે. જ્યારે તારાપુર અને ખંભાત તાલુકાના વિસ્તારો ગીધ માટે પ્રસિદ્ધ છે. તેથી બન્ને વન્ય જીવો અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, તેની સામાન્ય આદતો અને વિશેષતાઓ વિશે સમજ આપવામાં આવી હતી. ગીધની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા ચર્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે ગીધ સંરક્ષણની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં ગીધની વસ્તી ઘટવાના કારણો, તેને બચાવવાના પ્રયાસો વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...