• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • Anand District Joint Workers' Front Presented A Petition To The Collector At The District Level, Demanding Resolution Of Outstanding Issues In A Massive Rally Of 7000 Government Employees.

સંયુક્ત કર્મચારી મોરચાની રેલી:આણંદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર આપ્યું, 7000 સરકારી કર્મીઓની વિશાળ રેલીમાં પડતર પ્રશ્નોના નિરાકરણ કરવા માંગ

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂની પેન્શન યોજના અને 15 જેટલી પડતર માંગણીઓ અન્વયે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આણંદ સર્કીટ હાઉસમાં મળેલી બેઠકમાં લડત કાર્યક્રમ અનુસંધાને આણંદ જિલ્લામાં આજરોજ બપોરના ૧૨:૦૦ કલાકે વ્યાયામ શાળા મેદાન લોટીયા ભાગોળ આણંદથી ગણેશ ચોકડી સુધી 7000 જેટલા સરકારી કર્મચારીઓ દ્વારા વિવિધ સૂત્રોચાર તેમજ બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલી સાથે અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ જિલ્લા માધ્યમિક સંઘ તેમજ ઉત્તર માધ્યમિક સંઘના શિક્ષકો તેમજ હોદ્દેદારો પણ જોડાયા હતા. પોતાની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

15 જેટલી માંગણીઓ સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી
આ અંગે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યું હતું કે, અમારા દરેક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવામાં આવે, તમામ સંવર્ગના કર્મચારીઓને ગ્રેડેશન આપવામાં આવે આવી 15 જેટલી માગણીઓ અંગે અમે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ આ દિન સુધી આ એક પણ માંગણી સ્વીકારવામાં આવી નથી અને સમગ્ર ગુજરાતમાં તમામ કર્મચારીઓ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપી અમારી માગણીઓ સરકાર સ્વીકારે તેવી રજૂઆત કરવામાં આવી છે. 7000 જેટલા કર્મચારીઓ અત્યારે હાજર છે. જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કર્મચારીઓ 11મી તારીખે રેલી કાઢવામાં આવશે, છતાં પણ અમારી માગણીઓ નહીં સંતોષાય તો 17મી તારીખે વડાપ્રધાનના જન્મદિવસ છે. ગુજરાતના તમામ કર્મચારીઓમાં સીએલ પર ઉતરશે અને તેમ છતાં પણ અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો 22 તારીખે પેનડાઉનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમ છતાં પણ અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો ગુજરાતના તમામ કર્મચારીઓ 30 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે અને છતાં પણ સરકાર ઝુકશે નહી. તો અમે અમારા મતનો અધિકાર જે પક્ષ અમને જૂની પેન્શન યોજના આપશે અમે તે પક્ષને સમર્થન આપીશું.

જૂની પેન્શન યોજના લાગૂ કરવા રજૂઆત
આ અંગે આણંદ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારના જણાવ્યા મુજબ જૂની પેન્શન યોજના એ અમારો હક છે અને અમને મળવો જ જોઈએ. સમાન વેતન સમાન કામના ધોરણે 4200 ગ્રેડ પે અમારા દરેક કર્મચારીઓને મળે તે અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના કર્મચારીઓને મળતા તમામ લાભો અમારા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને પણ મળવા જોઈએ. સરકાર અમારો અવાજ સાંભળશે અને અમને તમામ લાભો આપશે એવી અમને આશા છે.

કર્મચારીઓ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું
આ અંગે આણંદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ જાસ્મીન પટેલના જણાવ્યા મુજબ આણંદ જિલ્લા કર્મચારી સંગઠન દ્વારા આહવાન કરવામાં આવેલ. આજ રોજ મહારેલી અને આવેદનપત્ર આપવાનું હોવાથી આણંદ જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિના નેજા હેઠળ આણંદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ કારોબારી તેમજ જિલ્લાના મોટાભાગના માધ્યમિક શિક્ષકો ઉપસ્થિત રહી જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરી હતી. ત્યારબાદ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં આણંદ જિલ્લા માધ્યમિકના પ્રમુખ જાસ્મીનભાઇ પટેલ મહામંત્રી અશ્વિન પટેલ સહિત અન્ય હોદ્દેદારો માધ્યમિકના સારસ્વત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનની શક્તિ બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...