પડતર પ્રશ્નોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત:આણંદ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ખંભાત ધારાસભ્યને આવેદન

ખંભાતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટૂંક સમયમાં જ ચૂંટણીઓ જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સરકારી કર્મીઓના પડતર પ્રશ્નો બાબતે કર્મચારીઓ આક્રમક મૂડમાં આવી આંદોલનો તેમજ આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સંતોષવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. અનુદાનિત પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ સળંગ નોકરીનો લાભ 1/4/ 2019 થી દરેક કર્મચારીઓને પ્રાપ્ત થાય તે માટે આણંદ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલને આવેદનપત્ર આપી શિક્ષકોની રજૂઆતને ઉચ્ચકક્ષાએ સરકાર સુધી પહોંચાડવા તેમજ તાત્કાલિક ધોરણે આ લાભો ગ્રાન્ટેડ શિક્ષકોને પ્રાપ્ત થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખંભાત ખરીદ વેચાણ સંઘ ખાતે ધારાસભ્ય મયુર રાવલને આવેદનપત્ર આપવા આણંદ જિલ્લા સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર તેમજ અન્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખ આણંદ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારના જણાવ્યા મુજબ ઘણા લાંબા સમયથી જિલ્લા પંચાયતની શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓની જેમ 4200 ગ્રેડપે તથા જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેની માંગણીનો કોઈ ઉકેલ આવતો નહોઈ પોતાની માંગણીનો આવાજ સરકાર સુધી પહોંચાડવા સારું તમામ જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણાધિકારી તથા ધારાસભ્યો અને મંત્રીઓને આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આજે ખંભાત ધારાસભ્ય મયુરભાઈ રાવલને અમારી માગણીઓને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું છે.

સરકારના અનુદાનથી ચાલતી બિનસરકારી પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓ સરકારી શાળાઓના શિક્ષકો જેવીજ તમામ પ્રકારની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી સમાન ધોરણે બજાવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી અનુદાનિત પ્રાથમિક શાળાના કર્મચારીઓ સમાન કામ સમાન વેતનની માંગણી કરી રહ્યા છે. આમ છતાં સરકાર દ્વારા વ્યાજબી અને અસમાનતા ઘટાડવા માટેની માંગણી પરત્વે દુર્લક્ષ સેવાઇ રહ્યાની લાગણી અને રોષ શિક્ષકોમાં પ્રવર્તી રહયો છે. શિક્ષકોની લાગણી અને માંગણીને સરકાર સુધી પહોંચાડવાના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં તા. 03/09/2022 ના રોજ જિલ્લા મથકોએ મહામંડળના આદેશ અનુસાર જિલ્લા ઘટક સંઘો દ્વારા કલેકટર, જિલ્લા શિક્ષણાધિકારી અને ધારાસભ્યો તથા રાજ્ય સરકારના મંત્રીઓને આવેદન પત્ર અપાશે અને જિલ્લા પંચાયતના કર્મચારીઓની જેમજ 4200 ગ્રેડપેની અને 2005 પછીની નવી પેન્શન સ્કીમના સ્થાને જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણીને સરકાર સુધી પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી તથા અન્ય ધારા સભ્યોને ભલામણ કરાશે. જેમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનોને જોડાવવા ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ જાવેદભાઈ શેખ તથા મહામંત્રી મયુરસિંહ રાઉલજીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...