ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો અવસર ઉજવવા જઇ રહ્યો છે. ત્યારે લોકશાહી દેશમાં લોકશાહીના અવસરને દરેક નાગરિકોએ મતદાન કરી ઉજવવા માટે અપીલ કરી છે. ખંભાતના પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી દ્વારા નવતર અભિગમ અપનાવી મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ઠેર ઠેર જાહેર માર્ગો પર સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં ખંભાતમાં આવનાર દિવસોમાં દરેક નાગરિક મતદાન કરે તેની જાગૃતિ માટે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ પ્રાંત અધિકારીની સંચાલન હેઠળ યોજવામાં આવશે તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ખંભાતમાં વિધાનસભામાં ખંભાત વિધાનસભામાં પુરુષ મતદારો 1 લાખ 20 હજાર 786, સ્ત્રી મતદારો 1 લાખ 12 હજાર 735 જ્યારે અન્ય મતદારો 1 સર્વિસ મતદારો 67 એમ મળી કુલ 2 લાખ 33 હજાર 522 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી નિરૂપા ગઢવીના (આર.ઓ) સંચાલન હેઠળ ઇ.વી.એમ મશીનો, મતદાર કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ, વાહન વ્યવસ્થા, રિસીવિંગ સેન્ટર, સુરક્ષા ટીમો, તમામ ચૂંટણીલક્ષી કામગીરી કરી દેવાઈ છે. ઉપરાંત રાજકીય પક્ષોને યાદી આપીને તમામ કામગીરીથી વાકેફ કરાયા છે.
1320 જેટલા કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાશે
મળતી માહિતીનુસાર, ખંભાત શહેર કક્ષાએ 67 મતદાન કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે ખંભાત તાલુકાના ગ્રામ્ય કક્ષાએ 173 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. કુલ મળીને 240 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. ઇવીએમ મશીન સહિત ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીનું વિતરણ ખંભાતની એસ.ઝેડ. વાઘેલા હાઈસ્કૂલ ખાતેથી થશે. 24 જેટલી એસ.ટી. બસો તેમજ 5 જેટલી જીપ મળીને 29 વાહનોની ચૂંટણીલક્ષી કામગીરી પાછળ વ્યવસ્થા ફાળવવામાં આવી છે. 264-પ્રિસાઈડિંગ ઓફિસર, 792 જેટલા પોલિંગ ઓફિસર, 264 સેવક સહિત 1320 જેટલા કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાશે.
રાજકીય પાર્ટીઓ દ્વારા આજ સુધી 33 ફોર્મ લેવામાં આવ્યા
આ અંગે પ્રાંત અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી અધિકારી મેં. કલેક્ટર દ્વારા 314 બી.યુ, 314 સી.યુ તેમજ 349 વીવીપેટ મશીનો ફાળવવામાં આવ્યા છે. આ તમામ માહિતીસભર યાદી રાજકીય પક્ષોને મોકલી આપી છે. તમામ મશીનો સ્ટ્રોંગ રૂમમાં મૂકી સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ સ્ટ્રોંગ રૂમ પોલીસ જવાનોને ઇલેક્શન કમિશનના નિયમોનુસાર સુરક્ષા માટે તૈનાત કરાયા છે. સ્ટ્રોંગરૂમ-સુરક્ષા વ્યવસ્થાને સીસીટીવી નિગરાની હેઠળ મોનીટરીંગ કરાઈ રહ્યું છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે તમામ નિમાયેલા અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરાઈ રહી છે. વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા આજ સુધી 33 ફોર્મ લેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.