ખંભાત તાલુકાના વાસણા ગામના એક યુવકને સસ્તામાં ઈયર બર્ડ્સ આપવાનું જણાવી અજાણ્યા શખ્સે મોબાઈલમાં આવેલો ઓટીપી મેળવી લીધો હતો. ત્યારબાદ યુવકના ખાતામાંથી ટુકડે ટુકડે 37,000 રૂપિયા મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે ખંભાત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાતના વાસણા ગામે પ્રાથમિક શાળા પાછળ 27 વર્ષીય રાહુલ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત 5મી માર્ચના રોજ રાહુલને તેમના મિત્ર દીપક પરમારનો ફોન આવ્યો હતો. તેણે એમેઝોન કંપનીના નામ જેવી અજાણી લિંક પર રૂપિયા 2900ની કિંમતના ઈયર બર્ડ્સ 99 રૂપિયામાં આપવાની જાહેરાત આવી છે અને તેની લિંક પર જઈને પ્રોસેસ કરજે તેમ જણાવ્યું હતું. જેને પગલે રાહુલે લિંક પર પ્રોસેસ કરતા અને મોબાઇલમાં આવેલો ઓટીપી નાખતાં જ તેના પંજાબ નેશનલ બેન્કના ખાતામાંથી રૂપિયા 37,000 અલગ અલગ હપતામાં કપાઈ ગયા હતા. જેનો મેસેજ આવતા તેમણે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.