આરોગ્ય તંત્રની બેદરકારી:બોરસદમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો; એક બાળકીનું મોત

બોરસદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદમાં અગાઉ જીબીએસની બીમારીએ માથું ઉચક્યા બાદ હવે પાણીજન્ય રોગ ફેલાતાં તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો
  • બોરસદ તાલુકાના ફતેહપુર, વણકરવાસ, મલેકવાળામાં 43 થી પણ વધુ કેસ મળી આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

બોરસદ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે શહેરના ફતેહપુર, વણકરવાસ, રોહિતવાસ, નવી નગરી અને મલેકવાળા વિસ્તારમાં ઝાડા -ઉલ્ટીના કેસો સામે આવ્યા છે જેમાં એક છ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.આ વિસ્તારોમાં અત્યાર સુધી 43 જેટલા કેસો મળી આવ્યા છે જેને લઇ આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

શહેરના ફતેહપુર, વણકરવાસ, રોહિતવાસ સહીતના વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝાડા -ઉલ્ટીના કેસો વધી જવા પામ્યા હતા અને ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળ્યા હતા રવિવારે સવારે 4 વાગે ફતેહપુર ચોરા પાસે રહેતા સિદ્દીકબેગ મીરઝાની 6 વર્ષીય પુત્રી આફ્રિનને અચાનક ઝાડા થઇ ગયા હતા અને સવારે 7 વાગે તેને સારવાર મળે તે પહેલા જ બાળકીનો મોત નીપજ્યું હતું.

આ વિસ્તારમાં ત્રણ ચાર દિવસમાં રોગચાળાએ ગંભીર સ્વરૂપધારણ કરી લીધું હતું અને ઘેર ઘેર બીમારી ફેલાઈ ગઈ હતી.જેમાં બે દિવસમાં સરકારી ચોપડે નોંધાયેલા 43 જેટલા કેસ સામે આવ્યા છે.પાણીજન્ય રોગચાળાના પગલે આજે પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આ વિસ્તારમાં પાણીના ગેરકાયદે કનેક્શનોના કારણે પાણી મિક્ષ થાય છે : પાલિકા પ્રમુખ
શહેરના ફતેહપુર સહીતના વિસ્તારમાં રોગચાળો ફેલાતા પાલિકા પ્રમુખ આરતીબેન પટેલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને કામગીરી ચાલુ કરાવી હતી તેઓએ જણવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પાણીની લાઈનોમાંથી ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવ્યા છે જેમાં કનેક્શન લેતા સમયે કોઈ જ તકેદારી પણ રાખવામાં આવતી નથી જેને લઇ પાણીના લિકેજના પ્રશ્નો ઉભા થાય છે અને પાણીમાં દુષિત પાણી મિક્ષ થાય છે હાલ પાલિકાની ટીમો દ્વારા લીકેજ શોધીને સમારકામ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...