ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ:અલારસા-નીસરાયામાં ચાલતા ઈંટ ભઠ્ઠાઓથી ગ્રામજનો ત્રસ્ત

બોરસદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા બાબતે આચાર્યે લેખિત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

બોરસદ તાલુકાના અલારસા અને નિસરાયા ગામની હદમાં 10 થી વધુ ઈંટભઠ્ઠા ધમધમી રહ્યા છે. જ્યાં સરકારના નીતિનિયમોને નેવે મૂકીને ઈંટો પકવવામાં આવી રહી છે તેમજ ઈંટભઠ્ઠા પર મજૂરી કરતા પરપ્રાંતીય મજૂરો જાહેરમાં ગમે ત્યાં દારૂ પીને રખડતા જોવા મળી રહ્યા છે. જેને લઇ અલારસા શાળાના આચાર્ય દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા નીસરાયા અને અલારસા ગામના સરપંચને લેખિતમાં રજુઆત કરવા છતાં ઈંટભઠ્ઠાના માલિકો સાથે સાંઠગાંઠ ધરાવતા બન્ને ગામના સરપંચો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અલરસા અને નિસરાયા વિસ્તારમાં મોટાભાગના ઈંટભઠ્ઠા ઉપર બહારથી ગેરકાયદેસર ,માટી ખનન કરીને લાવવામાં આવે છે. જે ડમ્પરો ગામના સાંકડા માર્ગો ઉપરથી પુરપાટ દોડતા હોય છે જેને લઇ પણ અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. તેમજ ઈંટભઠ્ઠા પર મજૂરી કામ કરતા કેટલાક મજૂરો દારૂને જાહેરમાં ગમે ત્યાં પડ્યા હોય છે. જેને લઇ શાળામાં આવતી જતી બાળાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડતું હોય છે. આ તમામ બાબતોને લઇ બન્ને ગામના સરપંચથી લઇ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ આક્રોશ આંદોલનના સ્વરૂપમાં બદલાશે તેમ દેખાઈ રહ્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા તંત્રના અધિકારીઓ દ્વારા ઈંટભઠ્ઠાના માલિકો સાથે સાઠગાંઠ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે મુરલીધર શાળાના આચાર્યએ શાળાના લેટરપેડ પર તમામ સમસ્યાઓ દર્શાવીને નીસરાયા અને અલારસાના સરપંચને લેખિત રજુઆત તા. 29/11/2021ના રોજ કરી હતી.પરંતુ એક મહિના બાદ પણ આ રજુઆત અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇ વિદ્યાર્થીનીનો સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે .ત્યારે બન્ને ગામના સરપંચો દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.

અલારસા પાસે આવેલ ઉત્તમ બ્રિક્સ નામના ભઠ્ઠામાં ખુલ્લેઆમ બાળમજૂરી
ગુજરાત રાજ્યમાં બાળમજૂરીને ગુનો ગણવામાં આવે છે પરંતુ ઈંટભઠ્ઠાઓ પર ખુલ્લેઆમ બાળમજૂરી કરાવવામાં આવતી હોય છે જેના ઘણી વાર ફોટો અને વિડીયો વાયરલ થતા હોય છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.અલારસા પાસે આવેલ ઉત્તમ બ્રિક્સ નામના ઈંટભઠ્ઠા ઉપર ખુલ્લામાં બાળકો પાસે ઈંટો અને રેતી ઉંચકાવી મજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...