બોરસદ શહેરમાં વાસદ ચોકડી વિસ્તારમાં બે કલાકના ગાળામાં જ બે કારોમાંથી પાકીટની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અને દિન દહાડે ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે ત્યારે હવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી છે. બોરસદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેફામ બની ચોરીનું કામ બિન્દાસ બની કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ બોરસદના વાસદ ચોકડી વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી કરી તસ્કરો પોલીસ સ્ટેશન થઇને જ ફરાર થઇ ગયા હતાં.
ત્યારે મંગળવારે ફરી એકવાર વાસદ ચોકડી ઉપર બે કારમાંથી પાકીટની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. જેમાં મંગળવારે સવારે 11 કલાક વાસદ ચોકડી ઉપર સીટી પાન પેલેસ નામની દુકાન ધરાવતા ફિરોજ મલેક પોતાની કારમાં એક લાખ રૂપિયા પાકીટમાં મૂકી દુકાને ગયા હતાં. અને થોડીવાર બાદ દુકાનેથી કારમાં આવતા તેમણે પાકીટ ગૂમ થઇ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઇ તેઓએ આસપાસ તપાસ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યો ન હતો જેને લઇ તેઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરી હતી.
ત્યારે બે કલાક બાદ સીટી પાનથી 200 મીટર દૂર આવેલા ભારત સ્પેર પાર્ટની દુકાનના હરેશભાઈ સિંધીની કારમાંથી પણ પાકીટ ચોરી થઇ ગયું હતું. જેને લઇ તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક યુવક ગાડીનો દરવાજો ખોલી નીચે બેસી ગાડીમમાંથી પાકીટ લઇ ફરાર નજરે પડી રહ્યો છે. અને તેની સાથે બીજા બે વ્યક્તિ પણ હોવાનું જણાઈ આવે છે. પોલીસે બંને ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.