કાર્યવાહી:બોરસદના દહેવાણમાંથી શંકાસ્પદ બોટલો મળતા FSLમાં મોકલાઈ

બોરસદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરસદ પોલીસે 31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

બોરસદ તાલુકાના દહેવાણમાંથી પોલીસે બાતમીના આધારે નશાકારક દવાની બોટલ કબજે લીધી હતી. પોલીસે રૂપિયા 31 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેને ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. બોરસદ તાલુકાના દહેવાણ ગામે શંકાસ્પદ દવાઓની બોટલોનો મોટો જથ્થો ઉતાર્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે વિરસદ પોલીસે જ્યાં જથ્થો ઉતાર્યો હતો તે ગામના બંગલાપુરા વિસ્તારમાં રહેતા ભાનુબેન ઉર્ફે પુનીબેન સોમાભાઈ તળપદાના ઘરે તપાસ હાથ ધરી હતી. જેમાં લાખોની સંખ્યામાં દવાની બોટલ અને તેનો સામાન મળી આવ્યો હતો.

આ બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરતાં તેઓએ યોગ્ય જવાબ આપ્યો નહોતો. જેને પગલે પોલીસે સ્થળ ઉપરથી 8.72 લાખની દવા ભરેલી બોટલો, 13500 ખાલી બોટલો, 10,000 ઢાંકણા, 149 ડોલ મળી કુલ રૂપિયા 31 લાખનો મુદ્દામાલ કબજે કર્યોહતો. આ જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

આ મામલે વાત કરતા પીએસઆઈ એસ. એમ. પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે. પરંતુ યોગ્ય જવાબ મળતો નથી. આ બોટલ શેની છે અને તેનો શું ઉપયોગ થાય છે તે જાણવા માટે ફોરેન્સિક લેબની મદદ લીધી છે અને હાલ પૂરતા નમૂના મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...