બોરસદ તાલુકાના ચુવા ગામે રવિવાર રાત્રે માતાજીના પાઠ દરમિયાન, બાઈક લઈને નીકળવા મામલે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બોરસદના ચુવા ગામે રવિવાર રાત્રિના માતાજીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમ્યાન સામેના પક્ષનો યુવાન બાઈક લઈને ત્યાંથી નીકળતા જ પાઠમાં હાજર વ્યક્તિઓને તેને રોક્યો હતો અને પાઠ ચાલી રહ્યો છે તેમ કહ્યું હતું.
જોકે, આમ છતાં પણ તે બાઈક લઈને નીકળતાં તેને અહીંથી કેમ નીકળ્યો તેમ જણાવીને તેને માર માર્યો હતો. જેને લઈને બન્ને પક્ષોના લોકો એકત્ર થઈ ગયા હતા અને સામ-સામે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. બન્ને પક્ષોએ એકબીજા પર અડધા કલાકથી વધુ પથ્થરમારો કરતાં દસેક જેટલી વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં બોરસદ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને પક્ષના ટોળાંને વિખેરી નાંખી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં ગામમાં શાંતિ છે. પોલીસ દ્વારા બંને પક્ષે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.