બોરસદ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપને પૂર્ણ બહુમત હોવા છતાં અને સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો મળ્યાં બાદ પણ વિકાસનું એક પણ કામ ન થતાં સ્થાનિક કાઉન્સિલરે આવેશમાં આવી સોશિયલ મીડિયામાં સાંસદ મિતેષભાઈ પટેલ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતાં શહેરના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
બોરસદ નગરપાલિકામાં ગત ચૂંટણીમાં આઝાદી બાદ પ્રથમવાર ભાજપને પૂર્ણ બહુમત મળતાં સત્તા હાંસિલ કરી હતી અને સત્તાધારી પક્ષના 20 કાઉન્સિલરોમાં વિકાસના કામો તેજ થશે તેવો આશાવાદ જોવા મળ્યો હતો. પરંતુ સત્તાધારી પક્ષમાં જ બે જૂથ પડી જતાં મામલો ગૂંચવાઈ ગયો છે અને વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા પણ વાંધા વચકા કાઢીને યેનકેન પ્રકારે કામો રદ કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે.
બોરસદ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવ્યા બાદ સરકાર દ્વારા પણ શહેરમાં વિકાસના કામો કરવા માટે 12 કરોડ જેટલી માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જેને લઇ કાઉન્સિલરો દ્વારા પોતાના વિસ્તારના કામોને એન્જીનીયર પાસે લખાવી તેને બોર્ડમાં મંજુર કર્યા બાદ નિયમ મુજબ તે કામોને પ્રાદેશિક કમિશનર વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં સોસાયટી જેવા શબ્દોને લઇ પ્રાદેશિક કમિશનર દ્વારા મોટાભાગના કામોને રદ કરી દેવામાં આવ્યા હતા.જેને લઇ સ્થાનિક કાઉન્સિલરોના કોઈ જ કામ એક વર્ષથી થયા નથી. પ્રાદેશિક કમિશનર દ્વારા કોઈના કોઈ બહાને કામો રદ કરી દેવામાં આવે છે જેને લઇ કાઉન્સિલરોને મતદારોને જવાબ આપવો ભારે પડી રહ્યો છે.
પૂર્ણ બહુમત અને કરોડોની ગ્રાન્ટ હોવા છતાં વિકાસના કામો ન થતા અને જે કામો લખીને મોકલવામાં આવે છે તેને પ્રાદેશિક કમિશનર દ્વારા જુદા જુદા નિયમો બનાવીને રદ કરી દેવામાં આવતા સ્થાનિક કાઉન્સિલરોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને ભાજપના વોર્ડ નં 7માં ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા કાઉન્સિલર પરાગભાઈ પટેલએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો અને પ્રાદેશિક કમિશનર દ્વારા જે કામો રદ કરવામાં આવે છે તેમાં સત્તાધારીપક્ષના કેટલાક કાઉન્સિલરોના હાથ છે અને તેઓને સાંસદ મિતેષભાઈ પટેલ મદદગારી કરી રહ્યા હોવાનું જણાવીને બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો તેમજ આ પોસ્ટની નીચે કોમેન્ટોમાં પણ ભાજપના અન્ય કાઉન્સિલરોએ સૂર પુરાવ્યો છે.
પરાગ પટેલએ સાંસદને બેફામ વાણી વિલાસ કરી બીભત્સ ગાળો આપી પોસ્ટની કમેન્ટમાં મળવાદો મહાકાલના સોગંદ મારી ના લવ તો કહેજો તેવું જાહેરમાં જણવતાં શહેરના રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બાબતે સાંસદના ભાઈ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યાં હતા. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી પોલીસ ફરિયાદ આપી નથી ત્યારે ભાજપના અંદરો અંદરનો વિખવાદ સપાટી પર આવી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.