સ્થાનિક મામલદારોને આદેશ:GPCB-કલેકટરના આદેશ છતાં ઇંટોના ભઠ્ઠા સામે કાર્યવાહી નહીં

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિસરાયા-અલારસામાં ધમધમતા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા
  • પાંચ માસમાં બે વાર સીલ કરવાનો આદેશ છતાં ભઠ્ઠા ચાલું

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક વર્ષોથી બોરસદ, આંકલાવ સહિત અન્ય તાલુકામાં ઇંટોના ભઠ્ઠા મોટા પ્રમાણ ધમધમી રહ્યાં છે. જે બાબતે પ્રદુષણ ફેલાવતા ઇંટોના ભઠ્ઠા બંધ કરવા માટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આદેશથી જિલ્લા કલેકટરે સ્થાનિક મામલદારોને આદેશ કર્યા હતા. તેમ છતાં બોરસદ તાલુકામાં નિસરાયા, અલારસા, ગોરવા, ઝારોલા, કણભા, ગાજણા, વિરસદ સહીતના વિસ્તારમાં લાંબા સમયથી સરકારના નીતિનિયમો નેવે મૂકીને ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે.

સક્ષમ તંત્રની પરવાનગી લીધા સિવાય જ અને રોયલ્ટી ભર્યા વગર જ ધમધમતા ઇંટ ભઠ્ઠાના માલિકો સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઇંટોના ભઠ્ઠાઓ અંગે અલારસાના જાગૃત નાગરિક દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં લેખિત ફરિયાદ કરતા પોલ્યુશન બોર્ડની ટીમે સ્થળ પર તપાસ કરતા 6 જેટલા ઈંટ ભઠ્ઠા પરવાનગી વગર જ ધમધમી રહ્યાં હતા. જેને લઈ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે જિલ્લા કલેકટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

જેને લઇ જિલ્લા કલેકટર દ્વારા તાલુકાના અધિકારીઓને સૂચના આપી ઈંટભઠ્ઠા પર તપાસ કરી જરૂરી કાર્યવહી કરવા આદેશ કરાયો હતો. પરંતુ આ આદેશના ત્રણ માસ બાદ પણ કોઈ કાર્યવાહી સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવી ન હતી જેને લઇ ફરીવાર અરજદાર દ્વારા પોલ્યુશન બોર્ડ ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવતાં પ્રાદેશિક કમિશનરે રૂબરૂ મુલાકાત લીધી હતી.

જેમાં તેઓ દ્વારા ત્રણ માસ અગાઉ કરવામાં આવેલ રિપોર્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું જેને લઇ તેઓએ ફરીવર જિલ્લા કલેકટરને લેખિતમાં પરવાનગી વિના ધમધમતા ગેરકયદેસર ભઠ્ઠા બંધ કરવા માટે રિપોર્ટ કર્યો હતો જેને લઇ જિલ્લા કલેકટરએ પણ તાલુકાના મામલતદારને ગેરકાયદેસર ચાલતા ઈંટભઠ્ઠાને સીલ કરવા આદેશ કર્યો હતો પરંતુ કલેકટરના બીજીવારના આદેશને પણ સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘોળીને પી ગયા છે અને આજે પાંચ દિવસ બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ સ્થાનિક તંત્રના અધિકારીઓ ઈંટભઠ્ઠાના માલિકો સાથે મીલીભગત કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઈંટના ભઠ્ઠા પર તપાસનું તંત્રનું નાટક, પગલાં નહીં
નિસરાયાની હદમાં ચાલતા કબીર બ્રિક્સ, એસએમ 1 બ્રિક્સ તેમજ અલારસામાં ચાલતા સુપર બ્રિક્સ, ઇન્ડિયન બ્રિક્સ, ઉત્તમ બ્રિક્સ,આરપી બ્રિક્સ અને એચ એચ બ્રિક્સ ઉપર બાળમજૂરી,ગેરકાયદેસર માટી ખોદકામ તેમજ મજૂરો દ્વારા દારૂ પીને ગમે ત્યાં શૌચક્રિયા કરવા સહિતના મુદ્દે ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરવામાં આવી હતી.

જેને લઇ બોરસદ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી માત્ર ફોટો સેશન કર્યું હતું અને ખાલી ખોખલી સૂચનાઓ આપી હતી અને કોઈ પણ જાતની કડક કાર્યવાહી કરી ન હતી જેને લઇ સ્થાનિક તંત્ર અને ઈંટભઠ્ઠાના માલિકો સાથેની સાંઠગાંઠ છતી થઇ છે.ક્યાં કારણોસર કાયદેસરની કર્યવાહી કરાઇ નથી તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...