ભાજપના રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તાએ જાહેરમાં ટીવી ડિબેટમાં ઇસ્લામ ધર્મના પયગમ્બર વિરુદ્ધ કરેલાં બેજવાબદાર નિવેદનને લઇ ભારતભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે બોરસદ મુસ્લિમ સમાજ દ્વારા પયગમ્બરની શાનમાં ગુસ્તાખી કરનારા ભાજપ પ્રવક્તાના વિરોધમાં દુકાનો બંધ રાખી પ્રદર્શન કર્યું હતું. વધુમાં પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બોરસદ મુસ્લિમ સમાજ દ્વારા સ્વંયભૂ બંધ પાડવામાં આવ્યો હતો.
શહેરના બસ સ્ટેન્ડ, ફુવારા ચોક, વાસદ ચોકડી, બ્રાહ્મણની ધર્મશાળા સહિતના વિસ્તરોમાં આવેલાં મુસ્લિમ દુકાનદારોની દુકાનો સવારથી જ જડબેસલાક બંધ રહી હતી. જયારે રાજા મહોલ્લા, લાયબ્રેરી, ભોભાફૃળી, મલેકવાળા, રબારી ચકલા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ રહ્યા હતા. બંધના પગલે પોલીસ પણ એલર્ટ થઇ ગઈ હતી અને કોઈ બનાવ ના બને તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
બોરસદમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા નૂપુર શર્મા દ્વારા વિવાદિત નિવેદન લઇ બંધ પાડવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન સફળ બંધ બાદ બપોરે અચાનક જ અસામાજિક તત્વો દ્વારા નૂપુર શર્માના ફોટો શહેરના મુખ્ય માર્ગો ઉપર ચોંટાડવામાં આવતા શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો હતો. હિન્દુ સંગઠનો પણ મોટા પાયે રોડ ઉપર આવી ગયા હતા અને તાત્કાલિક પોસ્ટરો રોડ ઉપરથી ઉખાડી શાંતિને ડહોળનારા તત્વોના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરી ધરપકડ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.