વીજ તંત્ર હજુ નિંદ્રામાં:બોરસદ શહેરમાં વીજ પોલ પરના કેબલ દૂર કરવા પાલિકાની નોટિસ

બોરસદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીવી કેબલને લઇ એક જણનું મોત થયું હતું છતાં વીજ તંત્ર હજુ નિંદ્રામાં

બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને માર્ગો પર વીજ તંત્ર દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવ્યા છે જે વીજ પોલ ઉપરથી ઈલેકટ્રિક લાઇન પસાર થાય છે. તેમજ પોલ ઉપર રાત્રિના સમયે અજવાળું રહે તે માટે સ્ટ્રીટ લાઇટ પણ લગાડવામાં આવે છે. પરંતુ આ વીજ પોલ ટીવી કેબલ ઓપરેટરો માટે આર્શિવાદરૂપ બની ગયા છે. વીજ પોલ ઉપર કેબલ ઓપરેટરો તેમજ ઇન્ટરનેટ કંપનીઓ દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી મેળવ્યા સિવાય પોતાના કેબલ નાંખી દેવામાં આવ્યા છે અને આડેધડ રીતે નાખવામાં આવેલ કેબલોને લઇ શહેર જાણે કેબલોના જંગલમાં ફેરવાઈ ગયો છે.

ગત વર્ષે વીજ પોલ ઉપરથી કેબલને દૂર કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ કેબલ ઓપરેટરો દ્વારા આજ દિન સુધી વીજ પોલ પરથી કેબલો દૂર કરવાની કોઇ કાર્યવાહી કરી નહોતી. હવે પાલિકાએ શહેર વિસ્તારમાં વીજ પોલ પર નાખવામાં આવેલ ઇન્ટરનેટ કેબલો અને ટીવી કેબલોને તાત્કાલિક દૂર કરવા માટે કેબલ ઓપરેટરો અને ઇન્ટરનેટ કંપનીઓને નોટિસ પાઠવી છે.

જો કે પાલિકાએ નોટિસ આપ્યા બાદ કેબલો દૂર થાય છે કે કેમ તે જોવું રહ્યું. ચાર વર્ષ અગાઉ વીજ કંપની દ્વારા 100 ફૂટ રોડ પર આવેલી સોસાયટીઓના વિસ્તારમાં આવેલ વીજ પોલ પરથી પસાર થતા કેબલોને કાપીને દૂર કરવામાં આવ્યા હતા અને પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બોરસદ શહેરમા રહેતા મોહમદ હનીફ સમસોદિન મલેકના ગળા પર તૂટેલો કેબલ પડતાં તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...