રાહતદરે સારવાર:70 વર્ષથી માત્ર 5માં નિદાન કરતું કાવિઠા આરોગ્ય ધામ

બોરસદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 38000થી વધુ દર્દીઓએ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે
  • એક વર્ષમાં 12,000 થી વધુ દર્દીઓએ સારવાર લીધી

વર્તમાન સંજોગોમાં આરોગ્ય સુવિધા માટે સારવારના ખર્ચ માટે મહત્તમ લોકો ચિંતિત હોય છે, ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં છેલ્લા 70 વર્ષથી માત્ર પાંચ રૂપિયાની નજીવી કેસ ફી પર એક વર્ષ સુધી નિદાન સારવાર માટે આરોગ્ય મંડળ ‌સંચાલિત દવાખાનુ કાર્યરત છે.

કાવીઠા ગામના તેમજ આસપાસના દર્દીઓ ખુબ જ ઓછા ખર્ચે નિદાન સારવાર મેળવીને સ્વસ્થ તંદુરસ્ત બને છે. કાવીઠા ગામના દવાખાને દૈનિક 250 થી300 દર્દીઓ રાહતદરે સારવાર માટે આવતા હોય છે.‌ આરોગ્ય બાબતે ખુબ જ જાણીતા બની ચુકેલ આર ઝેડ પટેલ સાર્વજનિક દવાખાનામાં ડો. મનોજ પંડ્યા છેલ્લા વીસેક વર્ષથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે.

દાતાઓના ઉમદા સહયોગથી જનસેવા માટે ધમધમતા આરોગ્ય ધામમાં એક વર્ષ દરમિયાન 38000 કરતાં વધુ દર્દીઓ રાહતદરે જુદી જુદી બિમારીની નિદાન સારવાર માટે આવીને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. ગત એક વર્ષમાં નવા કેસ‌ હેઠળ 12652 દર્દીઓ અને જુના કેસ હેઠળ 25367 દર્દીઓએ સારવાર મેળવી હતી.

સ્વજનોની સ્મૃતિમાં અનામત રકમથી આરોગ્ય સેવાઓ
કાવિઠા આરોગ્ય કેન્દ્રમાં 70 વર્ષથી ચાલી રહેલ અવિરત આરોગ્ય સેવાઓ બાબતે ટ્રસ્ટી ચીમનભાઈ પરસોતમભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પરિવાર પોતાના સ્વજનનુ અવસાન થયા બાદ સંસ્થા ખાતે સ્મૃતિમાં તસવીર યાદગીરી માટે રાખવા ઈચ્છતા હોય તો દસ હજાર રૂપિયાની રકમ સ્વિકારવામાં આવી છે. દસ હજાર રૂપિયાની રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે મુકવામાં આવે છે. અને આ ડિપોઝિટના વ્યાજના રકમ આરોગ્ય સેવાઓ માટે વાપરવામાં આવે છે.

વર્તમાન એક મહિના માટે તમામ દર્દીઓનેે એક દાતાના ખર્ચે નિદાન સારવાર
હાલમાં તાવ શરદી ઉધરસ વગેરે માંદગી માટે કાવીઠા ગામે દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાના કપરા સમયમાં મુળ કાવીઠા ગામના અને હાલ વિદેશ સ્થાયી થયેલ સ્વ. ફુલાભાઈ સોમાભાઈ પટેલ પરિવારના નીતાબેન સુરેશભાઇ પટેલ (યુએસએ) દ્વારા એક મહિના દરમિયાન આવનાર તમામ દર્દીઓની નિદાન સારવાર માટેના ખર્ચની સંપૂર્ણ નાણાંકીય મદદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...