તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બોરસદમાં રહેણાંક વિસ્તારમાં ઘેરકાયદે ફટાકડાંની દુકાનો, નીચે વેચાણ અને ઉપર રહેઠાણ છતાં તંત્રના આંખમિચામણાં

બોરસદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત નાગરિકોની ફરિયાદોને પણ ધ્યાને લેવામાં આવતી નથી
  • બોરસદમાં આણંદવાળી થવાની ભીતિ
  • રહેણાંક વિસ્તારમાં દારૂખાના વેચાણ સંગ્રહની પરવાનગી ન હોવા છતાં તંત્રએ 3 વર્ષના પરવાના આપ્યાં

આણંદમાં સોમવારે ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાથી તંત્ર દોડતું થઇ ગયું છે બોરસદમાં તો રહેણાંક વિસ્તારમાં 20થી વધુ દુકાનો અને ગોડાઉનો આવેલા છે. છતાં તંત્ર દ્વારા આંખમિચામણાં કરવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, રહેણાંક વિસ્તાર સહીતના નિયમોને સ્થાનિક તંત્રએ નેવે મૂકી 3 વર્ષના પરવાના આપી દીધા છે. જેને લઇ દારૂખાનાના વહેપારીઓએ અહીંયા બિન્દાસ બનીં હજ્જારો કિલો દારૂખાનાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે અતિભયાનક દુર્ઘટના નોતરે તેમ લાગી રહ્યું છે.

સરકાર દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા માટે અનેક નિયમો બનાવવામાં આવતા હોય છે. જ્યાં મકાન હોય ત્યાં દારૂખાનાની દુકાન ના હોય તેવો નિયમ છે. તે નિયમને પણ ભૂલી જઈ ઉપર મકાન અને નીચે દુકાન હોવા છતાં પરવાના રીન્યુ કરી દેવામાં આવ્યા હતાં. જાગૃત નાગરિકો દ્વારા રહેણાંક વિસ્તારમાં પરવાના આપવામાં આવે નહિ તેવી લેખિત રજુઆત કરવામાં આવી હતી. તે રજુઆતને પણ ચોક્કસ કારણોથી ધ્યાને લેવામાં આવી ન હતી.

બોરસદમાં રહેણાંક વિસ્તારમાં જ 43 દુકાનો અને ગોડાઉન આવેલા છે
બોરસદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં તંત્ર દ્વારા 43 પરવાના આપવામાં આવ્યા છે. જેમાં 500 કિલોથી લઇ 25 કિલો સુધીની માત્રા આપવામાં આવી છે. જેમાં શહેરના ટાઉનહોલ જેવા રહેણાંક વિસ્તારમાં જ 20થી વધુ દુકાનો આવેલ છે. તેમજ નવી શાક માર્કેટ વિસ્તારમાં 6 જેટલી દારૂખાનાની દુકાનો આવેલ છે. અને તેની પાછળ જ દારૂખાનાના ગોડાઉન બનાવી હજ્જારો કિલો દારૂખાનાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. નજીકમાં શાકમાર્કેટ આવેલ છે. તેમજ સામે અને પાછળ સોસાયટીઓ આવેલી છે છતાં તંત્રે આડેધડ પરવાના આપી દીધા છે.

અગાઉ લાગેલી આગમાં 6 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો
25 વર્ષ અગાઉ ભોભાફળી વિસ્તારમાં દારૂખાનાને લઇ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના 4 સભ્યોના આગમાં મોત થયા હતાં. ત્યારબાદ ટાઉનહોલ પાસે લાગેલ આગમાં 2 વ્યક્તિના મોત થયા હતાં. છતાં તંત્ર દ્વારા આ ઘટનાઓ પ્રત્યે ધ્યાન આપ્યા વિના શહેરના રહેણાંક વિસ્તારમાં દારૂખાનાના પરવાના આપી દેવામાં આવ્યા છે. જેને લઇ જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની થવાની સંભાવના છે.

દર વર્ષે ક્ષમતા કરતા વધુ જથ્થો ઠલવાય છે
આણંદમાં દારૂખાનાની દુકાનમાં લાગેલી આગમાં સામે આવ્યું હતું કે ક્ષમતા કરતા વધુ દારૂખાનું ભરવામાં આવ્યું હતું ત્યારે બોરસદ શહેરમાં પરવાનામાં જેટલો દારૂખાના વેચાણની પરવાનગી આપવામાં આવે છે તેના કરતા 30 ગણાથી વધુ દારૂખાનાનો જથ્થો દર વર્ષે ઠલવાય છે છતાં તંત્ર દ્વારા કોઈ જ તપાસ કરવાંમાં આવતી નથી જેને લઇ તંત્રની મિલીભગત હોવાનું ચર્ચાય છે

અન્ય સમાચારો પણ છે...