હાલાકી:આધારકાર્ડ કામગીરી ખોરવાતાં 65 ગામના ખેડૂતોને ધરમધક્કા

બોરસદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદની સરકારી કચેરીમાં સર્વર ડાઉન થતાં સમસ્યા

છેલ્લા કેટલાક દિવસોથી આધારકાર્ડ બાબતની કામગીરી ખોરવાઈ જવાથી બોરસદ તાલુકાના તમામ ગામોના ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો વિદ્યાર્થીઓને પરેશાનીઓ વેઠવાનો વારો આવ્યો છે. આધારકાર્ડ કામગીરી માટે બોરસદ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, એચ ડી એફ સી બેન્ક બેન્ક ઓફ બરોડા ખાતે આધારકાર્ડ કામગીરી માટે નિશ્ચિત સ્થળો છે.

પરંતુ સર્વર ખામી હોવાનું કારણ આગળ ધરીને વારંવાર કામગીરી ઠપ્પ કરી દેવામાં આવે છે. મામલતદાર કચેરી ખાતે પણ વહેલી સવારથી જ મસમોટી લાઇનો લાગી જતી હોવાથી ખાસ જરૂરીયાત સમયે જ આધારકાર્ડ ધારકોની સ્થિતિ કફોડી થવા પામી છે.

આધાર કાર્ડ કેન્દ્ર ખાતે નોટિસ લગાવી સંતોષ માનતું તંત્ર
બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત આધાર કાર્ડ કેન્દ્ર ખાતે નોટિસ લગાવી દેવામાં આવી છે કે સર્વર પ્રોબ્લેમ હોવાથી આધારકાર્ડ કામગીરી બંધ છે. સર્વર પ્રોબ્લેમના કારણોસર વારંવાર કામગીરી ઠપ્પ થઈ જાય તેવા સંજોગોમાં છેક તાલુકા મથકથી પરત આવતા નાગરિકો ખેડૂતો અને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હાલમાં કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરેલો ના હોય તેવા કિસ્સામાં ખેડૂતોને માટે ખુબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી દરેક ખેડૂત પોત પોતાના આધારકાર્ડ સાથે નંબર લીંક કરવા માટે તાલુકા મથકો પર કાર્યરત આધારકાર્ડ કેન્દ્ર ખાતે આવતા હોય છે. પરંતુ મોટાભાગના આધારકાર્ડ કેન્દ્રો ખાતે સર્વર પ્રોબ્લેમના બોર્ડ લગાવી દેવામાં આવતા હોય છે. જેથી આધારકાર્ડ ધારકોની ખુબ જ કફોડી હાલત થઈ રહેલ છે.

બોરસદ તાલુકાના 65 ગામના ખેડૂતો સહિત નાગરિકો માટે ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી સંબંધિત વિભાગ દ્વારા જાહેર હિતમાં વહેલી તકે તમામ આધારકાર્ડ કેન્દ્રો પર નિયમિત રીતે કામગીરી કરવામાં આવે તેવી વ્યવસ્થા માટે ઉગ્ર માગણી વ્યક્ત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આધારકાર્ડ સાથે એક જ સર્વે નંબર ધરાવતા 3 થી 4 વ્યક્તિના નંબર લીંક ન હોવાથી હાલ સહાયથી વંચિત રહેવા પામતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આધારકાર્ડ નંબર લીંક કરાવી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...