તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બોરસદના રાસમાં વધુ એક ATM તોડી ચોરીનો પ્રયાસ

બોરસદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ ખંભાત-પેટલાદ ATM ચોરીના આરોપી પકડાયા નથી
  • બોરસદ તાલુકાના રાસમાં રાત્રિના સમયે તસ્કરોએ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએમમાંથી નાણાં ન ચોરાતા તસ્કરો ડિજીટલ ડાયલર ચોરી ફરાર થઈ ગયા હતા.

આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. હજુ તો ખંભાત-પેટલાદમાં ગત શુક્રવારે થયેલી એટીએમ તોડી ચોરી અને ચોરીના પ્રયાસના આરોપીઓના કોઈ સઘડ મળ્યા નથી ત્યાં તો વધુ એક એટીએમ તુટવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બોરસદના રાસમાં એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. જોકે, તસ્કરો એટીએમમાંથી પૈસા કાઢવામાં નિષ્ફળ રહ્યા છે. જેને પગલે સમગ્ર બનાવમાં સ્થાનિક ગેંગ અથવા એકલ-દોકલ વ્યક્તિની સંડોવણીની સંભાવના સેવાઈ રહી છે.

બોરસદ તાલુકાના રાસ ગામમાં આવેલી હાઈસ્કૂલ સામેના કોમ્પલેક્ષમાં સેન્ટ્રલ બેંક આવેલી છે. જેની બાજુમાં સેન્ટ્રલ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. ગુરૂવારે રાત્રિના 2 થી 3 વાગ્યાની આસપાસ બે બુકાનીધારી શખસો એટીએમ સેન્ટરમાં ઘુસ્યા હતા. અને એટીએમ મશીનને લોકર સાઈડેથી તોડવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ એટીએમ લોકર નહીં તૂટતાં તસ્કરોએ એટીએમ મશીનના રૂપિયા 15 હજારની કિંમતના ડિજીટલ ડાયલરની ચોરી કરી હતી. શુક્રવારે સવારે બેન્કના મેનેજર સર્વેશકુમાર મીના બેંક ખાતે પહોંચ્યા ત્યારે તેમણે એટીએમને તોડવાની કોશિષ અને ડિજીટલ ડાયલરની ચોરી થઈ હોવાનું જણાતા જ તેમણે આ મામલે વિરસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સમગ્ર બનાવમાં વિરસદ પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

બેંક મેનેજર સાથે મીટીંગ કરી સિક્યોરીટી ગાર્ડની વ્યવસ્થા રાખવા જણાવાશે
રાસ ગામે એટીએમ સેન્ટર ઉપર સિક્યોરીટી ગાર્ડ જ નહોતો. ગત અઠવાડિયે પણ જે બે એટીએમ મશીન તૂટ્યા તેમાં પણ એ જ સ્થિતિ હતી. જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં આવેલા એટીએમ સેન્ટરો ઉપર 24 કલાક ગાર્ડ રાખવા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં મોટાભાગની બેંક દ્વારા તેનું ઉલ્લંઘન કરાતું હોય છે. ત્યારે આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણે જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં બેંક મેનેજરો સાથે એક મીટીંગનું આયોજન કરી સિક્યોરીટી ગાર્ડ અને સીસીટીવીની વ્યવસ્થા કરવા જણાવાશે.

ખંભાત-પેટલાદમાં મેવાતી ગેંગની સંડોવણી
ખંભાત તાલુકાના ઉંદેલમાં અને પેટલાદમાં ગત શુક્રવારે રાત્રિના સમયે એટીએમ તોડી રૂપિયા 20.22 લાખની ચોરી કરાઈ હતી. જોકે, સમગ્ર મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનામાં મેંવાતી ગેંગની સંડોવણી બહાર આવી છે. જેને પગલે આગામી ટૂંક સમયમાં પોલીસ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખશે.

અન્ય સમાચારો પણ છે...