કાર્યવાહી:3.18 લાખની ચોરીની ફરિયાદ 20 દિવસ બાદ નોંધાવવામાં આવી

બોરસદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ તાલુકાના નાપા - તળપદ ગામે અેટીઅેમ તૂટ્યું

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલા ટાટા ઈન્ડીકેશન કંપનીના એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને તસ્કરો અંદરથી રૂપિયા 3.18 લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આણંદ બોરસદ માર્ગ ઉપર નાપા તળપદ ગામના બસ સ્ટેશનની નજીક ટાટા ઈન્ડીકેશનું એટીએમ સેન્ટર આવેલું છે. ગત 28મી નવેમ્બરે રાત્રે ત્રણેક વાગ્યે ઈકો કારમાં ત્રણ જેટલા શખ્સો મોઢું બાંધીને ત્રાટક્યા હતા અને સીસીટીવી કેમેરા તોડી નાંખીને એટીએમ મશીનમાં ઘુસ્યા બાદ મશીનને ગેસ કટરથી કાપીને અંદર મુકેલા ૨ોકડા રૂપિયા 3,18,400 રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના સંદર્ભે જે તે સમયે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ એટીએમ મશીનને લઈને બેંકની સીધી કોઈ લેવા-દેવા ન હોય તેમજ ખાનગી કંપનીનું એટીએમ હોય તથા તેનું સંપૂર્ણ સંચાલન દિલ્હીથી થતું હોય ફરિયાદ સંદર્ભે નિર્ણય લેવામાં વિલંબ થયો હતો. પોલીસ દ્વારા જે તે સમયે આસપાસના વિસ્તારોના ફૂટેજ મેળવી કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ઈકો કાર નજરે પડે છે. પરંતુ તેનો નંબર દેખાતો નથી. આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મેવાતી ગેંગની સંડોવણી હોવાની સંભાવના
એટીએમની ચોરીમાં સામાન્ય રીતે મેવાતી ગેંગની સંડોવણી સામે આવતી હોય છે. ગત ઓગસ્ટમાં આણંદ જિલ્લામાં ખંભાત અને એ પછી પેટલાદમાં તથા તેના થોડાં જ દિવસો બાદ બોરસદમાં એટીએમ મશીન તોડી ચોરી-ચોરીનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસે બનાવમાં સંડોવાયેલી મેવાતી ગેંગના કેટલાંક સભ્યો અને જે કાર વપરાઈ હતી તેના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ હજુ પણ કેટલાંક આરોપીઓ બાકી છે. આ ઉપરાંત જિલ્લાના કેટલાંય સેન્ટરો એવા છે કે જ્યાં સિક્યુરીટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા નથી. જેને પગલે તસ્કરોનો મોકળું મેદાન મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...