બોરસદ નગરપાલિકાનું બાકી વીજ બિલ મુદ્દે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાતા શહેરીજનોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો હતો જો કે વિધાનસભાના નાયબ દંડકની મધ્યસ્થી બાદ વીજ કચેરી દ્વારા બિલ ભરવા માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે હવે પાલિકાના વહીવટદાર સફાળા જાગ્યા છે અને કડક વેરા વસુલાતની ઝુબેશ હાથ ધરવામાં આવી છે.
પાલિકાની ટીમો દ્વારા બાકીદારોની મિલ્કત સીલ કરવા સહીતની કામગીરી આરંભી દીધી છે અને જે મિલ્કતો સીલ કરી છે તેના નાણાં ભરપાઈ કરવામાં નહીં આવતા હવે તે મિલ્કતોની હરાજી કરી નાણાં જમા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
બોરસદ નગરપાલિકા દ્વારા પહેલાથી જ વેરા વસુલાતની કામગીરીમાં ઢીલાસ દાખવવામાં આવતા બાકીદારોના કરોડોના લેણાં નીકળી રહ્યા છે.નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલ્કતોના અંદાજિત 3 કરોડથી વધુના વેરા બાકી છે જેને લઇ પાલિકા દ્વારા 2308 બાકીદારોને આખરી નોટીસ ફટકારી વેરા ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું હતું તેમ છતાં બાકીદારો દ્વારા બાકી વેરા ભરવામાં આવ્યા ન હતા જેને લઇ હવે પાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી જય બારોટના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ દ્વારા વેરા વસુલાત કરવામાં આવી રહ્યા છે અને જે લોકો સ્થળ પર વેરો નથી ભરતા તેમની મિલ્કતોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી રહી છે ગત સપ્તાહમાં પાલિકા દ્વારા 7 મિલ્કતો સીલ કરવામાં આવી હતી અને તેમને પાંચ દિવસમાં વેરા ભરપાઈ કરવાની નોટિસ આપવામાં આવી હતી અને નોટિસમાં પાંચ દિવસમાં વેરા ભરપાઈ કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા મિલ્કતને જપ્ત કરી તે મિલ્કતની જાહેર હરાજી કરવામાં આવશે.
ત્યારે મિલ્કતને સીલ કર્યા બાદ નોટિસ આપ્યા બાદ પણ બાકીદારો દ્વારા વેરો ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતા હવે પાલિકાના ચીફ ઓફિસરે આ મિલ્કતને હરાજી કરવાની પાલિકાના વહીવટદાર જય બારોટને લેખિતમાં જાણ કરી મંજૂરી માંગી છે.પાલિકા દ્વારા 7 મિલ્કતોને સીલ કરવામાં આવી છે જેને પાલિકાના વહીવટદાર દ્વારા મંજૂરી આપ્યા બાદ મિલ્કતની હરાજી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
એકને ગોળ બીજાને ખોળની નીતિથી રોષ
શહેરીજનોના બાકી વેરાને લઇ નગરપાલિકા આકરી બની છે ત્યારે 10થી વધુ સરકારી કચેરીના વર્ષોથી લાખો રૂપિયાના વેરા બાકી છે પરંતુ સરકારી કચેરીઓ દ્વારા બાકી વેરો ભરવામાં આવ્યો નથી . તેમ છતાંસરકારી કચેરીઓના બાકી વેરા મુદ્દે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર પાણીમાં બેસી ગયા છે ત્યારે એકને ગોળ અને એકને ખોળની નીતિરીતિથી ભારે રોષ ફેલાયો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.