અપહરણનો પ્રયાસ:આંકલાવના નારપુરામાં બે શખસોનો બાળકીના અપહરણનો પ્રયાસ

આંકલાવ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ પંથકના ગામમાં બાળક ઉઠાવગીર ટોળકી સક્રિય તો નથી થઈ ને તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું
  • જોકે, સમગ્ર બનાવની પોલીસ ચોપડે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ગ્રામજનોને સતર્ક કરવા માટે પિતાએ વિડિયો વાઈરલ કર્યો

આંકલાવ તાલુકાના નારપુરા ગામમાં રહેતી નવ વર્ષીય બાળકી ગત શનિવારે સ્કૂલેથી છૂટ્યા બાદ ઘર તરફ જતી હતી ત્યારે સફેદ ઈકો કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ તેનો હાથ પકડી તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જોકે, બૂમરાણ મચી જતાં અને આસપાસના સ્થાનિકો દોડી આવતાં બંને જણાં કાર લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ પંથકમાં બાળક ઉઠાવગીર ટોળકી સક્રિય તો નથી થઈને તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

સમગ્ર ઘટના ગત શનિવારે સવારે બની હતી. નારપુરા પ્રાથમિક શાળા સવારે અગિયાર, સાડા અગિયાર વાગ્યાની આસપાસ છૂટી હતી. દરમિયાન, એ સમયે કેટલાંક બાળકો પગપાળા તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. ગામની જ એક નવ વર્ષીય બાળકી, સહઅધ્યાયી સાથે ગામમાંથી પસાર થઈ રહ્યી હતી. એ સમયે અચાનક એક સફેદ ઈકો કાર ત્યાં આવી પહોંચી હતી અને બાળકો કંઈ સમજે વિચારે તે પહેલાં જ આ નવ વર્ષીય બાળકીનો હાથ પકડી તેને બે અજાણ્યા શખસોએ કારમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકીએ પ્રતિકાર કરતાં અને બીજી તરફ તેની સાથેના અન્ય બાળકોએ બૂમરાણ મચાવતાં જ કારમાં સવાર બંને શખસો કાર ભગાડી ક્યાંય પલાયન થઈ ગયા હતા. આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ગ્રામજનોમાં કાર લઈ બાળકોને ઉપાડી જવાની ઘટના ચર્ચાની એરણે ચઢી હતી.

જોકે, સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ગ્રામજનો સતર્ક બને અને બીજી કોઈ બાળકી સાથે ઘટના ન બને તે હેતુસર બાળકીના પિતાએ એક વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી આ વિડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આમ છતાં, સમગ્ર બનાવમાં પહેલેથી જ નિષ્ક્રિય રહેલી પોલીસ હજુ આંખ ઉઘાડતી નથી. અપહરણનો પ્રયાસ કરનારા શખસો કોણ હતા, સફેદ કાર કોની માલિકીની હતી, ખરેખર તે ગામમાં રહેતા લોકો હતા કે પછી ગામ બહારના તેને લઈને રહસ્યના વમણો સર્જાયેલા છે ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કડીઓ મેળવવામાં આવે તો અનેક તથ્ય બહાર આવી શકે તેમ છે.

હાથમાં રૂમાલ રાખીને મારો હાથ પકડી લીધો હતો
એ દિવસે હું નિશાળેથી છૂટી હતી. અમે બધા મારી બહેન સાથે ઘરે આવી રહ્યા હતા. ત્યારે એક સફેદ કલરની કારમાં બેઠેલા બે પૈકી એક જે ડ્રાઇવર સીટ પર બેઠેલા કાકાએ બાજુમાં હટો ગાડી વાળવાની છે તેમ ગુજરાતીમાં વાત કરી હતી અને આગળનો દરવાજો ખોલી હાથમાં રૂમાલ રાખીને મારો હાથ પકડી લીધો હતો. જોકે, મારી બહેને બુમો પાડી હતી અને કાકા આવ્યા, તેમ કહેતા ગાડીમાં બેઠેલાએ મારો હાથ છોડ્યો હતો. ગાડીમાં એક દાઢીવાળા કાકાએ કાળા કલરની ટીશર્ટ પહેરેલી હતી. હાથમાં કડું અને કાનમાં કડી પહેરેલી હતી.
(પીડિત બાળકી સાથે થયેલી વાતચીતના આધારે)

હું મોડો પહોંચ્યો હોત તો કોઈ મોટી ઘટના ઘટી જાત
બાળકોએ કાળા કાકા આવ્યા એમ બૂમો પાડી હતી. હું સ્થળ પર પહોંચ્યો ત્યાં સુધી શું ઘટના બની હતી તેની જાણ જ નહોતી. પરંતુ જો એ દિવસે હું મોડો પહોંચ્યો હોત કે પછી ન પહોંચી શક્યો હોત તો કંઈક મોટી ઘટના બની જાત.> કાળાભાઈ ચાવડા, પીડિતાના કાકા.

અન્ય સમાચારો પણ છે...