7 લાખના મતાની ચોરી:ટ્રેક્ટર ગીરો લેવા સંબંધી પાસે બે દિવસ પહેલાં રૂપિયા ઉછીના લીધા અને તસ્કરો લઈ પલાયન

આંકલાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવના નવાખલમાં બે સગા ભાઇના મકાનને નિશાન બનાવી 7 લાખની મતા લઇ ગયા

આંકલાવ તાલુકામાં છેલ્લાં કેટલાંય સમયથી નિષ્ક્રિય રહેલી પોલીસની કામગીરીને પગલે તસ્કરો બેફામ બન્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં બીજી ચોરીની ઘટના બની છે. જેમાં નવાખલમાં રહેતા બે ભાઈઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને ટ્રેક્ટર ગિરો લેવા માટે સંબંધી પાસેથી લીધેલા ઉછીના રૂપિયા તથા તમાકુ વેચાણના નાણાં મળી કુલ રૂપિયા સાત લાખની મત્તાની ચોરી કરી હતી.

સમગ્ર બનાવની ઘટના એવી છે કે, આંકલાવ તાલુકાના નવાખલ-માનપુરા માર્ગ સ્થિત ધીરૂપુરા વિસ્તારમાં શંકરભાઈ પૂનમભાઈ ઠાકોર અને તેમના નાના ભાઈ શૈલેષભાઈ ઠાકોર રહે છે. બંને ભાઈઓ બે અલગ-અલગ મકાનમાં રહે છે અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

છેલ્લાં કેટલાંય સમયથી ખેતીકામ માટે તેમને ટ્રેક્ટરની જરૂરીયાત હોય તેમણે થોડાં સમય પહેલાં જ સંબંધી પાસેથી રૂપિયા બે લાખ ઉછીના લીધા હતા. અને ગત 23મી તારીખે બેંકમાંથી નાણાં ઉપાડ્યા હતા અને ઘરમાં મૂક્યા હતા. ઉપરાંત તમાકુ વેચાણના પણ પૈસા મળી રોકડા રૂપિયા 5.50 લાખ પડ્યા હતા. જ્યારે અન્ય જણસો મળી કુલ રૂપિયા 7.88 લાખની મત્તા ઘરમાં હતી.

બંને ભાઈનો પરિવાર ગત મંગળવારે રાત્રે ધાબા પર અને ઘરની બહાર સુઈ રહ્યો હતો. એ સમયે તસ્કરોએ બંને ભાઈના ઘરને નિશાન બનાવી તમામ મત્તા ચોરી કરી હતી. આ અંગેની જાણ તેમને સવારમાં થતાં જ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આંકલાવ પોલીસે હાલમાં ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.

તિજોરી-પીપળાના તાળાંને સાણસી વડે તોડ્યાં
ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ સમગ્ર ઘરમાંનો સામાન અસ્તવ્યસ્ત કરી નાંખ્યો હતો. દરમિયાન, તિજોરી અને પીપળાને લોક માર્યું હોઈ રસોડામાં પડેલી સાણસીનો જ ઉપયોગ કર્યો હતો. અને તેનાથી જ લોક તોડી નાંખી ચોરીને અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે, આંકલાવ તાલુકામાં છેલ્લાં ત્રણ દિવસમાં 6 કિલોમીટરના અંતરે આવેલા બે ગામોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપતાં હવે ગ્રામજનોને ઉજાગરા કરવા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...