ઉમેટાથી ખડોલ, સંખ્યાડ થઈને ચમારાને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી તૂટી ને ઉબડ ખાબડ હાલત માં ફેરવાઇ ગયો છે આ માર્ગ ચાર ગામ અને પરા વિસ્તારના રહીશો માટે એક માત્ર મુખ્ય રોડ છે.વાહન ચાલકોને અકસ્માતની દહેશત વચ્ચે અવર જવર કરવી પડે છે.
આ માર્ગનું દસ વર્ષથી રીપેરિંગ કરવામાં આવેલ નથી. રોડની બન્ને બાજુ ઝાડી ઝાંખરોનું પણ પ્રમાણ વધી ગયું છે. જેના કારણે રોડ સાંકડો થઇ જતાં બસ પણ સ્કૂલો માટે આવતી નથી.આ સુવિધા શરૂ કરવા ગ્રામસભાઓમાં પણ ઘણી વખત તંત્રને રજૂઆત કરી હોવાનું આ વિસ્તાર અગ્રણીઓએ રોષ વ્યકત કર્યો હતો.
મોટી સંખ્યાડના સ્થાનિક રહીશ નગીનભાઈ સોલંકીએ આ અંગે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે તાલુકા કક્ષાના સંકલનની બેઠકમાં, સ્વાગત કાર્યક્રમમાં ઘણી વખત રજૂઆતો કરેલ છે આ મેઇન રોડ છે ગામડાના લોકો બરોડા, હરીનગર રોજીરોટી માટે આ રોડનો ઉપયોગ કરે છે.
આ રસ્તો ઠેર ઠેર તૂટીને બિસમાર અને ખખડધજ બની જતા આરોગ્ય લક્ષી જરૂરિયાત સમયે 108 ને આવવામાં પણ વાર લાગે છે ઇમરજન્સી સમયે તૂટેલા રોડ ને કારણે 108 વાન ને નવાખલ ઉપર થઈને આવવા ની ફરજ પડે છે. રોડ નજીક ક્યાંક ખેતરોનું પાણી ઘુસી જતાં કે પાણી ની લાઇન ખરાબ થઈ જતાં રોડ ઉપર પાણીના ખાબોચિયા ઘણા બધા ભરાય ગયા છે જેના કારણે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.
કાંઠા ગાળાના ગામડાઓનો આ રોડ મુખ્ય છે. ધંધા રોજગાર કે આરોગ્ય અને શિક્ષણ જેવી જરૂરિયાત માટે ઘણા સમયથી બસ બંધ હતી પણ આ ગામોના સરપંચોની રજૂઆતથી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે રોડ બંધ હોવાના કારણે ચમારાથી ઉમેટા આણંદની બસ 11:00 કલાકે આવતી બસ બંધ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર ગામ અને પરા વિસ્તારના રહિશો માટે આ મુખ્ય રસ્તો હોવા છતાં તંત્ર દ્વારા મરામત હાથ ધરવામાં ન આવતાં લાંબા સમયથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
આંકલાવ ધારાસભ્યનો પત્ર, સત્વરે મરામત કરો
ચાર જેટલા ગામોને જોડતો આ માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાય જતાં સરપંચોએ અને અગ્રણીઓ એ કરેલ રજૂઆત ના પગલે આંકલાવ મત વિસ્તાર ના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા એ આણંદ માર્ગ અને મકાન વિભાગ ને આ અંગે સત્વરે સમારકામ કરવા ભલામણ કરી છે.વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલન કરી ને ઉગ્ર વિરોધ ની ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.