પોલીસે તપાસ આરંભી:બાળકીના અપહરણના પ્રયાસ મુદ્દે પોલીસ હરકતમાં

આંકલાવ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ તાલુકાના નારપુરા ગામની ઘટના
  • અઠવાડિયા બાદ પોલીસે તપાસ આરંભી

આંકલાવ તાલુકાના નારપુરા ગામમાં રહેતી નવ વર્ષીય બાળકી ગત શનિવારે સ્કૂલેથી છૂટ્યા બાદ ઘર તરફ જતી હતી ત્યારે સફેદ ઈકો કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ તેનો હાથ પકડી અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં હવે અહેવાલ છપાયા બાદ પ્રથમ દિવસથી જ નિષ્ક્રિય રહેલી આંકલાવ પોલીસ મોડે મોડે સક્રિય બની છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુપ્ત રાહે તપાસ આરંભી દેવામાં આવી છે.

આ અંગે વાત કરતાં આંકલાવ પોલીસ સ્ટેશનની પીએસઆઈ હરદિપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સંદર્ભે પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો છે. પરંતુ તેઓએ આ મામલે કોઈ ફરિયાદ કરવાની ના પાડી છે. પરંતુ બીજી તરફ ગુપ્ત રાહે બાતમીદારોને સક્રિય કરીને અમારા દ્વારા આ ગામ ઉપરાંત આસપાસના ગામમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં માત્ર સફેદ ઈકો કારની જ માહિતી મળી છે.

પરંતુ બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ગામમાં આવેલા મંદિર પાસેના સ્થાનિકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે. વધુમાં ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના બને નહીં તે માટે સતર્ક રહેવા પોલીસ સ્ટાફને સૂચના આપી દેવાઈ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...