આણંદ અને વડોદરાને જોડતો ઉમેટા બ્રિજ પરથી લોકોની આત્મહત્યાના બનાવોને રોકવા માટે બ્રિજની બંને બાજુ સંરક્ષણ જાળી મારવામાં આવે તે માટે અનેક વાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવામાં આવી છે. વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે સ્થાનિકોની પણ માગણી જોવા મળી છે.
સરકાર દ્વારા આ અંગે ક્યારે યોગ્ય પગલાં લેવાશે? માહિતી અનુસાર છેલ્લાં 2 વર્ષમાં 100થી વધુ લોકોએ મોતની છલાંગ લગાવી છે અને તેમના મોત નિપજ્યા છે અને આશરે 50થી વધુ લોકોએ છલાંગ લગાવી છે પરંતુ તેમને તૈયારીમાં માછીમારો દ્વારા બહાર કાઢી લેતા જીવ બચી ગયા છે. ગત બે મહિનામાં જ વડોદરાના બે લોકોને માછીમારોએ જીવિત બહાર કાઢ્યા હતા.
બ્રિજ છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને તેનું કારણ એ છે કે, છેલ્લાં 2 વર્ષમાં જ બ્રિજ પરથી 100 લોકોએ પ્રેમ પ્રકરણ, ઘરના કંકાસ કે દેવાને કારણે બ્રિજ પરથી પડતું મૂકી મોતને વ્હાલું કરી દીધું છે સામાન્ય રીતે દિવસ દરમિયાન દિવસમાં કોઈ પડતું મૂકે તો તેઓને તુરંત જ માછીમારો દ્વારા બચાવી લેવામાં આવે છે. બ્રિજથી પાણી સુધીનું અંતર અંદાજે 120 ફૂટ જેટલું છે. એટલે જો કોઈ પણ વ્યક્તિ બ્રિજ પરથી પડતું મૂકે તો તેવા કિસ્સામાં તેને ઈજા પણ થતી હોય છે.
નાવડીવાળું કોઈ ન હોય તો ડૂબી જવાને કારણે મોત પણ થાય છે. જોકે, નાવડીવાળા જ્યારે તેમને બચાવીને કિનારે લાવે છે ત્યારે તેઓ પોલીસ કેસથી બચવા ત્યાંથી ભાગી પણ નીકળે છે. જેને કારણે ઘણાખરા કિસ્સામાં તો પોલીસ ચોપડે કંઈ નોંધાતું પણ નથી. રાત્રિના સમયે બ્રિજ પર અવર-જવર ઓછી હોવાથી લોકો આપઘાત કરતા હોય છે. જોકે, પોલીસ દ્વારા રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમજ મધ્યમાં અને જ્યાંથી સૌથી વધુ લોકો પડતું મૂકે છે ત્યાં લોખંડની જાળી મૂકવામાં આવે તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.