શિક્ષણ કાર્ય ઠપ્પ કવાની ચિમકી:આમરોલ ગામે આચાર્ય ભારે વરસાદમાં શાળાના સમય પહેલાં બાળકોને મૂકી નીકળી જતાં ગ્રામજનોએ તાળું માર્યું

આંકલાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનો દ્વારા સીમ વિસ્તારમાંથી આવતાં બાળકોને પોતાની કારમાં સહીસલામત ઘરે મોકલ્યાં

એક તરફ સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ આંકલાવ તાલુકાના આમરોલ ગામે સરકારના આ પ્રયાસની ઉપર પાણી ફેરવી દીધું હોવાની ઘટના સામે આવી હતી. આમરોલ પે. સેન્ટર શાળાના આચાર્ય દીપાલીબેન મહેતા મંગળવારે પડેલા ભારે વરસાદમાં બાળકોને મૂકી ઘરે નીકળી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આમરોલના ગ્રામજનોએ બુધવારે શાળામાં તાળાંબંધી કરી આચાર્યની બદલી કરવાની માંગ કરી હતી.

આંકલાવના ગ્રામજનોએ આચાર્ય દીપાલીબેન મહેતા સામે આક્ષેપ કર્યો છે કે તેઓ સમયસર શાળામાં આવતા નથી તેમજ બાળકોને ક્લાસમાં અભ્યાસ પણ કરાવતા નથી તેમજ મંગળવારે પડેલા ભારે વરસાદમાં બાળકોને મૂકી શાળા છોડી આચાર્ય સમય પહેલા શાળામાંથી ઘરે જવા માટે નીકળી ગયા હતા.

સાથે બીજા ચાર જેટલા શિક્ષકો બાળકોને ચાલુ વરસાદમાં મૂકી નીકળી જતા ગામના આગેવાનો દ્વારા સિમ વિસ્તારમાંથી આવતા બાળકોને પોતાની કારમાં સહીસલામત ઘરે પરત મોકલાયા હતાં. આચાર્યએ આવા સમયે ફરજથી નીકળી જઇ બેદરકારી દાખવતા ગ્રામજનો રોષે ભરાયા હતાં, આચાર્યની મનમાનીને લઈ વાલીઓ અને ગ્રામજનોએ ભેગા થઈ શાળાને તાળાં મારી રોષ વ્યકત કર્યો હતો.

તેમજ જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણ કાર્ય ઠપ્પ રાખી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે સમગ્ર મામલે આચાર્ય દીપાલીબેન મહેતા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હું સમયસર જ આવું છું ને જવ છુ મંગળવારે વડોદરામાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને મારી દીકરી પડી જતા મારે ઘરે જવાની ફરજ પડી હતી. તેમ કહી હાથ ઊંચા કર્યા હતાં.

આચાર્યની બદલી કરવા ગ્રામજનોની માગ
જે અંગે આમરોલ પ્રાથમિક શાળાના એસએમસી સભ્ય દેવેન્દ્રસિંહ પઢીયારે જણાવ્યું હતું કે શાળાના આચાર્ય પોતાની મનમાની ચલાવે છે બાળકોને અભ્યાસ પણ કરાવતા નથી તેમજ સમયસર શાળામાં આવતા નથી અને સમય પહેલા નીકળી જાય છે. મંગળવારે પડેલા ભારે વરસાદમાં આચાર્ય બાળકોને આવા ભારે વરસાદમાં મૂકી અન્ય ચાર શિક્ષકો સાથે નીકળી ગયા હતાં. જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય સત્વરે આચાર્યની બદલી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...