આંકલાવ તાલુકાના દેવાપુરા ગાડનાળું માર્ગને બે મહિના પહેલાં જ રિનોવેટ કરવામાં આવ્યો હતો. જોકે, હલકી ગુણવત્તાના કારણે હાલમાં આ માર્ગ પર ગાબડાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને કારણે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. માર્ગ પર એટલી બધી ધૂળ ઉડે છે કે જેનાથી એલર્જિ થવાની પણ સંભાવના રહે છે.
આ અંગે વાત કરતાં પીપળીના રહેવાસી અશોકભાઈભાઈ પરમારે જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી હું રોજ અપડાઉન કરૂં છું. દેવપુરા પાસે આ માર્ગ એટલી હદે તૂટ્યો છે કે નાના વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. મારી નજર સમક્ષ કેટલાંય બાઈક ચાલક ખાડામાં પડ્યાના કિસ્સા બન્યા છે. વહેલી તકે આ માર્ગ રીનોવેશન કરવામાં આવે તો મોટા અકસ્માત રોકી શકાય તેમ છે.
નોંધનીય છે કે, ગંભીરાથી બોરસદ સુધીના આ માર્ગ અવાર-નવાર અકસ્માતો તેમજ ભારે વાહનોની અવરજવર માટે જાણીતો છે. આ માર્ગ કરોડોના ખર્ચે બનાવામાં આવ્યો હતો. જેથી માર્ગ પર થતા અકસ્માત રોકી શકાય. પરંતુ આ માર્ગ પર કિંખલોડ ચોકડીએથી ગંભીરા અને નવાખલ સુધી બિસ્માર હાલતમાં ફેરવાઇ જવાથી રાહદારીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે. દેવાપુરા ગાડનાળુ માર્ગ બન્યો ત્યારથી હલકી ગુણવત્તાના કારણે ગાબડાંનું સામ્રાજય બની ગયું છે. જોકે, આ મામલે સત્તાધીશો આંખ ઉઘાડે તે જરૂરી છે અને સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.