હોબાળો:25 લાખની દુકાન માત્ર 13 લાખમાં વેંચાતાં કારોબારીમાં મુદ્દો ઉછળ્યો

આંકલાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવ પાલિકાની કારોબારી સભામાં હોબાળો મચ્યો
  • ​​​​​​​બેઠકમાં માત્ર નિયમ બદલી મીટિંગ સમાપ્ત કરી દેવાઇ

આંકલાવ તાલુકાના વિરકૂવા ચોકડી પર બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટરના દુકાનની હરાજીનો મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. કેટલીક દુકાનો રૂપિયા 25 લાખમાં વેચાઈ છે તો વળી બીજી તરફ પાંચ દુકાનો 13 લાખમાં વેચી છે જેને લઈને કેટલાંક સભ્યોએ ગુરૂવારે યોજાયેલી કારોબારી મિટિંગમાં હોબાળો મચાવ્યો હતો. પરંતુ અધ્યક્ષે માત્ર સેન્ટરને લગતા નિયમ બદલીને મિટિંગ પૂર્ણ કરી હતી. જેને લઈને સમગ્ર વિવાદમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે.

આંકલાવ નગરપાલિકા ખાતે ગુરૂવારે પાલિકા પ્રમુખ સંતોકભાઈ પટેલના અધ્યક્ષતામાં કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંકલાવ વિરકૂવા ચોકડી પર પાલિકા દ્વારા નવા આવકના સ્ત્રોતરૂપે લાખો રૂપિયાના ખર્ચે નવું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જેમાં બે માળની 6 દુકાનો હતી, જેની બે વાર હરાજી પણ કરવામાં આવી હતી. જેમાં આંકલાવ નગરના બે ખરીદદાર અને અન્ય બહાર ગામના ખરીદદારો છે. મહત્વની વાત એ છે કે, શોપિંગમાં આવેલી 1 દુકાન ઉપર નીચે થઈ 25 લાખમાં વેચાઇ હતી. તો બીજી 5 દુકાનો 13થી14 લાખની અંદર વેચાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તમામ દુકાનોની જો માર્કેટમાં વેલ્યુ ગણવામાં આવે તો 25 લાખથી વધુ કિંમત આવે તેમ છે. નોંધનીય છે કે, ચોકડી પર અન્ય બીજું શોપિંગ સેન્ટર પણ આવેલું છે. જે માત્ર પાટિયા વોલથી બનાવેલું છે. જેની હરાજીમાં એક દુકાન 13 લાખથી વધુના ભાવમાં વેચાઇ હતી. આ પાકું શોપિંગ સેન્ટરમાં હોવા છતાં બે માળની દુકાન નજીવા ભાવે કેમ વેચવાની ફરજ પડી એ પ્રશ્ન હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

આ મામલે વિવાદ થતાં માત્ર નિયમ બદલી પાલિકાના સત્તાધીશોએ હાથ ઊંચા કર્યા છે. પાલિકાએ નવો નિયમ બનાવ્યો છે, જેમાં જ્યારે કોઈ દુકાનદારને દુકાન વેચવી હોય તો તે કોઈ બીજી વ્યક્તિને વેચી શકે નહીં. માત્ર નગરપાલિકાને જ દુકાન વેચવાની રહેશે અને પાલિકા બાદમાં એ જ દુકાનના સારા ભાવ મળે ત્યારે હરાજી કરીને વેચશે. આમ, માત્ર નિયમ બદલીને સમગ્ર મિટિંગને પૂર્ણ કરી દેવાતાં વધુ એક વિવાદના વમળ સર્જાયા છે.

નિયમ મુજબ જ કામ હાથ ધરાશે
કારોબારી મિટિંગમાં સભ્યોએ રજૂઆત કરી હતી કે, વિરકૂવા ચોકડી પર બનાવેલા શોપિંગ સેન્ટરના નિયમો બદલો કાં તો પુનઃ હરાજી કરો. જોકે બધાના હિતમાં જે યોગ્ય હશે તે જ પગલાં ભરવામાં આવશે. દરેકના હિતમાં પણ નિયમ મુજબ કામ હાથ ધરાશે. > સંતોકકુમાર પટેલ, પ્રમુખ, નગર પાલિકા,આંકલાવ

મળતિયાઓને સસ્તામાં દુકાનો વેચી હતી
અગાઉની કારોબારી બોડી દ્વારા શોપિંગ સેન્ટરની મિલી ભગતથી હરાજી કરવામાં આવી હતી. અને લાગતા વળગતા મળતિયાઓને સસ્તામાં દુકાનો વેચી દીધી હતી. જે અમારે ઘ્યાનમાં આવ્યું હતું. જેથી શોપિંગ સેન્ટરના નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં પાલિકાને આર્થિક રીતે ફાયદો થાય તેવા નિયમ બનાવમાં આવ્યા છે.> કલ્પેશભાઈ પટેલ, સભ્ય, નગરપાલિકા, આંકલાવ

અન્ય સમાચારો પણ છે...