આંકલાવના ચમારા ભઠ્ઠાની સગર્ભાની 108ની ટીમ દ્વારા પ્રસુતિ કરાવી હતી. જેમાં તેને જોડીયાં બાળકો અવતર્યા હતા, જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. આ મામલે બાળકના જન્મ સમયે જ તે મૃત આવ્યું હોવાનું ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આંકલાવ તાલુકાના ચમારા ગામમાં આવેલા 555 ઈંટના ભઠ્ઠામાં મૂળ ઉત્તરપ્રદેશની મજૂરી કરતી સગર્ભાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતાં કિંખલોડની 108ની ટીમને બનાવની જાણ કરાઈ હતી. ટીમના ઇએમટી જગદીશ જાદવ અને પાયલોટ પ્રિતેશ પંડ્યા ગુરૂવાર રાત્રિના 12 વાગ્યાની આસપાસ ભઠ્ઠા પર પહોંચી ગયા હતા અને સગર્ભાને લઈને હોસ્પિટલ જવા રવાના થયા હતા. જોકે, સગર્ભાને ખૂબ જ પીડા ઉપડતા અને સ્થિતિ ગંભીર જણાતા એમ્બ્યુલન્સને રસ્તામાં જ રોકી દેવાઈ હતી અને ઓન વ્હીલ પ્રસુિત કરાવવાની ફરજ પડી હતી.
આ અંગે ઇએમટી જગદીશ જાદવે જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં તુરંત જ અમે હેડ ઓફિસ અમદાવાદના ERCPની સુચના હેઠળ એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની સૂચના અને માર્ગદર્શન મેળવી જોડીયાં બાળકોની ડિલિવરી કરાવી હતી. જોકે સમગ્ર બનાવમાં એક બાળક મૃત જન્મયું હતું. બાળકની મૃત પ્રસુતિ થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હાલમાં નવજાત શિશુ અને માતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.