વારંવાર ટ્રાફિકની સમસ્યા:કુંડલાના નદી બજારમાં ટ્રાફિક જામ: 15 મિનીટ સુધી એમ્બ્યુલન્સ ફસાઇ

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ પાર્કિંગ અને દબાણોના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા : બાયપાસ અધૂરા કામના કારણે હેવી વાહનો સર્જે છે ટ્રાફિકજામ
  • નદી બજારમાં​​​​​​​ કાયમી ધોરણે ટ્રાફિકના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ મુકો

સાવરકુંડલાના ભુવા રોડ પર રહેતી એક મહિલાને તાકીદની સારવારની જરૂર હોય જેના કારણે પરિવાર જનોએ 108ને ફોન કર્યો હતો. પણ અહી નદી બજાર પાસે ટ્રાફિક જામ હોવાથી એમ્બ્યુલન્સ 15 મિનીટ સુધી ફસાય રહી હતી. અહી વધાતા ટ્રાફિક અને દબાણોના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે.

સાવરકુંડલા શહેરની મધ્યમાંથી દરરોજના 1500 જેટલા કન્ટેનર, એસટી બસ અને ખાનગી વાહનો પસાર થઈ રહ્યા છે. જેના કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે. ખાસ કરીને મહુવા રોડ, નદી બજારથી ટાવર પાસે સહિતના રસ્તા પર દબાણો અને આડેધડ વાહન પાર્કીંગ જોવા મળે છે.

મહુવા રોડ પર મોટી સંખ્યામાં હોસ્પિટલો આવેલી છે. અહી વારંવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે વાહનોની કતારો લાગે છે. પણ પાલિકા કે પછી પોલીસ તંત્ર અહી દબાણો કે પછી વાહન ચાલકો સામે કાર્યવાહી કરતું નથી. નદી બજારમાં શનિવારી બજાર પણ ભરાઈ છે. જેના કારણે આ દિવસે ટ્રાફિક વધી જાય છે.

ઉપરાંત સાંજેના સમયે સૂરત જવા માટે ખાનગી બસોનો જમાવડો પણ વધી રહ્યો છે. હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ પાર્કિંગ અને દબાણોના કારણે એમ્બ્યુલન્સને ફસાવાનો વારો આવે છે. સાવરકુંડલામાં આજે એક મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે નદી બજારમાં ભારે ભીડના કારણે એમ્બ્યુલન્સ 15 મિનીટ સુધી ફસાય હતી. ત્યારે તંત્ર શહેરની બજારોમાં થયેલા દબાણો અને પાર્કિંગ સામે કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી હતી.

રેલવેના ફાટકના અભાવે 4 વર્ષથી બાયપાસ બંધ
સાવરકુંડલામાં છેલ્લા ચાર વર્ષથી બાયપાસની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. પણ રેલવે ફાટકના કારણે તે કાર્યરત થયો ન હતો. જેના કારણે શહેરમાંથી ભારે વાહનો પણ પસાર થાય છે. જો કે થોડા દિવસો પહેલા રેલવે ફાટકની કામગીરીનો ખાતમુહૂર્ત પણ કરાયું હતું. હવે સાવરકુંડલા બાયપાસ ક્યારે કાર્યરત થશે તે તો સમય જ બતાવશે.

સાવરકુંડલાના નદી બજાર હોય કે મહુવા રોડ પર જ્યારે પોલીસ જવાન હાજર હોય ત્યારે ટ્રાફિક થતો નથી. પણ અહી તો ક્યારેક જ પોલીસ જવાનના દર્શન થઈ રહ્યા છે. જેના કારણે અહી ટ્રાફિક જામ સર્જાય છે. અહી કાયમી પોલીસ જવાન મુકવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...