રાજુલા જાફરાબાદ પંથકમા તાઉતે વાવાઝોડા બાદ મોટાભાગના વૃક્ષોનો સોથ વળી ગયો હતો. ત્યારે ફરી બંને શહેરને નંદનવન બનાવવા ધારાસભ્ય દ્વારા વનમંત્રી અને ઉદ્યોગ મંત્રીને રજુઆત કરી અહી વધુમા વધુ વૃક્ષોનુ વાવેતર કરવામા આવે તેવી માંગ કરી હતી.
ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ રજુઆતમા જણાવ્યું હતુ કે વાવાઝોડા બાદ વૃક્ષોનો સોથ વળી ગયો હતો જેના કારણે પર્યાવરણને નુકશાન પહોંચ્યુ છે. આ વિસ્તારમા નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે ત્યારે આસપાસના ગામોમા વધુમા વધુ વૃક્ષોનુ વાવેતર કરવામા આવે તે જરૂરી છે. તેમણે વનમંત્રીને પણ રજુઆત કરી હતી જેમા જણાવાયુ હતુ કે સરકારની અનેક યોજનામાથી શહેરમા છતડીયા રોડ, બાયપાસ ભેરાઇ રોડ, સાવરકુંડલા રોડ, જાફરાબાદ રોડ તેમજ જાફરાબાદથી બાબરકોટ રોડ તેમજ સોસાયટી વિસ્તારોમા વૃક્ષોનુ વાવેતર કરવુ જોઇએ.
તેમણે એમપણ જણાવ્યું હતુ કે સોસાયટીમા ટ્રીગાર્ડ લગાવી વૃક્ષોનો ઉછેર થાય તે જરૂરી છે. અહીના બગીચામા પણ વૃક્ષોનો નાશ થયો છે. વનવિભાગની નર્સરીમાથી પાલિકાને વિનામુલ્યે વૃક્ષો આપી તેનુ વાવેતર કરવામા આવે તેમજ ખેડૂતોના શેઢા પાળા તેમજ તળાવના કાંઠે દેશીકુળના વૃક્ષો વાવવામા આવે તે માટે સરકાર દ્વારા ખાસ કિસ્સામા ગ્રાંટની ફાળવણી કરવામા આવે તેવી માંગણી તેમણે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.